આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
ગુલાબસિંહ.

જેટલો જેટલો ભોગ પ્રેમની ખાતર આપ્યો છે તેની ખોટ પ્રેમજ પૂરી પાડશે, ચાલ.”

મા જરા પણ અચકાઈ નહિ; એણે ચાદર ઓઢી લીધી, પોતાના વીખરાઈ ગયેલા વાળ ભેગા કર્યા; એક ક્ષણમાં તૈયાર થઈ ગઇ — તેજ વખત નીચે ભારે ગડબડાટ મચ્યો.

“રામ ! — રામ ! — દુર્ભાગ્ય ! —રામ !” ગુપ્ત અને તીવ્ર વેદનાના ટુંકા સ્વરે ગુલાબસિંહ બારણા તરફ ધસતાં બોલ્યો. એણે બારણું ઉઘાડ્યું પણ હથીઆરબંધ માણસોને ધક્કે ચઢી અંદર પાછો પડ્યો. જુલમગારનાં માણસોથી ઓરડો ઉભરાઈ ગયો.

મા તો ક્યારનીએ બે જવાનોના હાથમાં સપડાઈ ગઈ હતી. એની ચીસથી ગુલાબસિંહનો કાન ચીરાઈ ગયો, એ કૂદીને આગળ પડ્યો અને માએ એની કારમી ચીસ કોઈ પરભાષાના શબ્દોમાં સાંભળી લુચ્ચાઓની તરવારો એના ગળા ઉપર પડતી એણે જોઇ. એનું ભાન જતું રહ્યું. જ્યારે એ શુદ્ધિમાં આવી ત્યારે એના મોંમાં ડુચો મારેલો હતો, ને એક ઉતાવળી દોડતી ગાડીમાં મોઢું માથું બાંધી લીધેલા કોઈક પુરષ જોડે તે બેઠેલી હતી. એક ભયંકર મેહેલ આગળ ગાડી અટકી; દરવાજા ધીમેથી ઉઘડ્યા, લાંબી પગથીઆંની હાર દીવાના ઉજાસથી એની નજરે પથરાઈ રહેલી જણાઈ; —એ પેલા ઉમરાવના મહેલમાં આવી.