આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯
કામાંધનો વિનાશ.



પ્રકરણ ૧૪ મું.

કામાંધનો વિનાશ.

પેલી વયૌવનાને પૂર્ણ ભભકાથી લખલખાટ કરી રહેલા એક ઓરડામાં એકલી પૂરી દેવામાં આવી, આ મહાસંકટમાં પણ એના મનમાં જે વિચાર મુખ્ય હતો તે ગુલાબસિંહ માટેનોજ હતો. એ જીવતો હશે ? શત્રુઓની તરવારમાંથી વંચી ગયો હશે ? —મારો અમૂલ્ય હીરો, મારૂં જીવિત, મારો પતિ. —મારો પ્રાણ ! વિચારોને તરંગે ચઢી નિર્ણય પર આવવા જેટલો વખત હતો નહિ, ઓરડા તરફ કોઈનાં પગલાં આવતાં સંભળાયાં, પોતે સંકોચાઈ, પણ ધ્રુજવા લાગી નહિ. પર્વે અપરિચિત એવી કોઈ અલૌકિક આવેશરૂપ હીંમત એના નેત્રમાં ચમકવા લાગી, અને એની આકૃતિને ભવ્યતા સાંપડવા લાગી. મરતાં કે જીવતાં, પણ ગુલાબસિંહનાજ ભજનમાં તે લીન હતી. પોતાની લાજ સાચવવામાંજ હવે તો વળી સવિશેષ કારણ પણું હતું, બારણું ઉઘડ્યું, અને ઉમરાવ અત્યંત ભભકાદાર પોશાકના તેજથી લખલખાટ થતો એની સામે આવી ઉભો.

“મનોહર પણ અતિક્રૂર મૂર્તિ !” કરડાકીમાં તેણે કહ્યું “પ્રીતિને લીધે જે બળાત્કાર કરવો પડે છે તેને તું અપવાદયુક્ત નહિજ ગણે.” આમ બોલતાં તેણે એનો હાથ પોતાના હાથમાં લેવાનો યત્ન કર્યો. જેથી મા એને ચૂકાવી પાછી હઠી ગઈ તેવો તે બોલ્યો “રે ! જરા વિચાર, તું હવે કેવા માણસના હાથમાં છે ! એણે તારા કરતાં ઓછી પ્રીતિકર વસ્તુ પ્રાપ્ત કરવામાં પણ કદી પરાજય સ્વીકાર્યો નથી. તારો પ્રિયતમ, જીવ સાટે વચ્ચે પડે તો પણ તારી પાસે નથી; તું મારાજ કબજામાં છે, મારીજ છે, પણ તારો નાથ થવા કરતાં મને તારો દાસ થવા દે.”

“રાજકુમાર !” માએ કઠિન ગંભિરતાથી કહ્યું “તમારો ગર્વ મિથ્યા છે. તમારો કબજો ! હું તમારા કબજામાં નથી. હું તમારી સામે થવા ઈચ્છતી નથી, પણ મને તમારો ડર નથી. મને અંતર્‌થી જ અલૌકિક નિશ્ચયનો વિશ્વાસ સ્ફુરે છે.” માએ હૃદયવેધક ગાંભિર્યથી ઉમેર્યું— “ને તેવી સ્ફુરણામાં ઘણી વાર સત્ય જ્ઞાનનો અને અમિત બલનો પ્રભાવ પ્રતીત