આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬
ગુલાબસિંહ.

વધારે ચમત્કૃતિ કે આનંદ બીજા કોઈ સ્થલે ગમે તેવાં ગંમત કરનારાંએ પણ ભાગ્યેજ દાખવ્યાં હશે. સાંભળનાર સર્વે નજરબંદીથી બંધાયા હોય એમ એના ઉપર કુરબાન થઈ ગયા; ઉમરાવ પોતે પણ એના ઉપરજ મોહી ગયો. લાલાજી પણ એ અસરથી મુક્ત ન થયો. જ્યારે વિષયુકત મદિરાનું પાત્ર ગટગટાવી ગયો ત્યારે ગુલાબસિંહ જે વાણી વદ્યો તેથી યદ્યપિ ઉમરાવનો જીવ ગભરાઈ ગયો હતો, તથાપિ જેમ જેમ ગુલાબસિંહ વધારે ખીલતો ગયો તેમ તેમ એને પોતે પ્રયોજેલા વિષની નિશ્ચિત અસર થતી જોઈ આનંદ થતો ગયો. દારૂબાજી ચાલુજ હતી, પણ કોઇને ભાન ન હતું કે કેટલો લેવાયો. એક પછી એક બધા જેભ નજરબંદીથી ઘેરાઈ ગયા હોય તેમ ઠંડા પડી ગયા, માત્ર ગુલાબસિંહજ એક એકને માથે ચઢે તેવાં તડાકા ને વાતો ઠોકતોજ ચાલ્યો, એના શબ્દોને પણ હવે તે બધા વીણી લેતા હોય એમ એકચિત્ત થઈ એના વર્ણોચ્ચારના શ્રવણાર્થે ઊંચો શ્વાસ લેઈ એકદૃષ્ટિ થઈ રહ્યા ! આમ છતાં એના ટોળનો મર્મ કેવો ગૂઢ હતો ! કેવો કરડો હતો ! ત્યાં ભરાયેલા દારૂડીઆજ કરડાકી, અને તેમની જીંદગી જે નિર્જીવ ટાયલાંની બનેલી હોય છે તેની મશ્કરીઓથી ભરેલો હતો ! આમ ને આમ રાત પડી, દીવાનખાનામાં અંધકારનો પટ છવાવા લાગ્યો. પણ કોઈ હાલતું ન હતું. મીજબાની બહુ લાંબી ચાલી, ગંમતનો રસ જરા પણ ઉણો થયો નહિ. એવામાં સ્વચ્છ આકાશમાં ચંદ્રનો પ્રકાશ વિસ્તર્યો, અને બહારના બાગમાંનાં પુષ્પવૃક્ષ અને ફૂવારા ઉપર રૂપેરી રંગ રમવા લાગ્યો. એ પ્રસંગે ગુલાબસિંહ બોલ્યો.

“મિત્રો ! આપણા યજમાન આપણાથી કંટાળ્યા નથી એમ હું ધારૂં છું, તો એમની આ ખુબસુરત વાડીના આકર્ષણે લલચાઈ આપણે બે ઘડી વધારે ત્યાં બેશીએ તો હરકત નથી. કેમ મેહેરબાન ! તમારા રસાલામાં ગવૈયા પણ હશેજ, હોય તો પુષ્પવાસથી ઘ્રાણેન્દ્રિય આનંદ પામે તે ભેગાં કર્ણ અને હૃદય પણ રસબસ ભરાય.”

“વાહ, બહુ મઝાની વાત” ઉમરાવે કહ્યું “ખવાસ ! ગાયન થવા દે.”

આવો ઠરાવ થતાની સાથે જ બધા એકદમ ઉઠીને બાગમાં ગયા; ને એજ પ્રસંગે અત્યાર સુધી ઠાંસેલા દારૂની અસર સર્વને એકાએક માલુમ પડી; લાલચોળ વદને, ઘેરાયલાં નયને, અને લથડતે પગે સર્વે બાગમાં આવ્યા, જાણે કે અત્યાર સુધી સાચવેલા મૌનનો બદલો વાળવાનેજ હોય તેમ સર્વેની જીભ એકીવારે