આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩
નવો શિષ્ય.

અને કૃષ્ણ જેવા મહાપુરુષો નથી જ થયા એમ નથી, પણ એજ ઈતિહાસ દ્ધારા એ મહાત્માઓએ એવાં દૃષ્ટાન્તથી અધ્યાત્મ સમજાવ્યો છે કે વિચારનારને મુક્તિ હસ્તામલકવત્ થઈ રહે. પણ કલિના પ્રભાવે કૂચીઓ નાશ પામી છે. જોકે માત્ર અક્ષરને ને તે અક્ષરના શુષ્ક ભાવને વળગી રહી વહેમી, બાયલા, ને અજ્ઞાની થયા છે. કૌરવ અને પાંડવનાં યુદ્ધની વાતોથી લોકો રંજન પામે છે, ને એમને એમ રાજ્યપાટ અને દ્રવ્યલાલસાની વાંછનામાં અધમતાએ ચઢે છે. ખરું રાજ્ય, ખરી પ્રાપ્તિ તો આ શરીરરૂપી કુરક્ષેત્રમાં આત્મા અને મનના સંગ્રામમાં આત્માને વિજયવાન કરવામાં છે. બ્રહ્માંડને મૂકી તેની પ્રતિકૃતિ જે પિંડ તેનેજ વિલોકવામાં આત્મસામ્રાજ્યના પગરણને આરંભ છે, ને સર્વ પ્રાપ્તિનું બીજ છે. પરંતુ જેમની શ્રદ્ધા જ જડ છે, જેમની બુદ્ધિજ મંદ છે, જે સ્થૂલની પાર વિશ્વાસ કરી શકતાં નથી, નિશ્ચય ઉપજાવી શકતાં નથી, કાવ્યના તેમ વિશ્વના ધ્વનિને ન સમજતાં ગદ્ય જેવા સ્થૂલમાત્રનેજ સમજે છે, તેમનો આ કલિકાલમાં વધારે પ્રભાવ છે. એ અંધકારથી તું સર્વથા મુક્ત છે કેમકે મૂલથીજ ચિત્રકાર હોઈ સ્થૂલની પાર જોનારો છે એટલે મને તારા વિષે બહુ સંતોષ છે.”

“પણ જે સ્થૂલ પારની વિદ્યા, સ્થૂલ પારનું જ્ઞાન તમે કહો છો તે વિદ્યા અને તે જ્ઞાન કીયા ગ્રંથોમાં છે ? કીયા પ્રયોગથી મળે છે?”

“એનો ગ્રંથ આ આખું વિશ્વ છે, એના પ્રયોગ મનુષ્યની દૃષ્ટિમાં છે. નિર્જીવમાં નિર્જીવ વનસ્પતિ કે પદાર્થ પણ અનેક ઉપદેશ કરવાને સમર્થ છે, પણ તે વાંચવાની આંખ અને સમજવાનું મન સદા સાવધાન જોઈએ. દૃષ્ટિ અનુસાર સૃષ્ટિ થાય છે એવું અદ્વૈતવાદીઓ કહે છે તે ખોટું નથી. જે માત્ર બાહ્યાકૃતિનેજ જોનારા છે તેમને કાંઈ કામનું નથી; આખા વિશ્વ ઉપર ગુપ્ત વિદ્યાનાં રહસ્ય કોતરી કાઢ્યાં હોય તો પણ જેઓ શબ્દમાત્રને જ સમજનારા છે, ને શબ્દના અર્થને કે અર્થના ધ્વનિને વિચાર કરવા થોભતા નથી, તેમને તે નકામું છે. રે યુવક ! જો તારી તર્કશક્તિ ઉજ્વલ હોય, તારું હૃદય દૃઢ હોય, તારી જિજ્ઞાસા અગાધ હોય, તો હું તને મારો શિષ્ય કરીશ, પણ પ્રથમ ક્રમ ઘણો કરડો અને ભયંકર છે.”

“જો તમે તેમાંથી તરી પાર ઉતર્યા છો તો હું શા માટે પાછો હઠીશ ! મારા બાલ્યથી જ મને એમ લાગતું કે મારા ભવિષ્યમાં કોઈ વિલક્ષણ બનાવ નિર્ધારેલો છે; ને એ નિશ્ચયમાંજ મેં આ સંસારની ભવ્યમાં ભવ્ય પ્રાપ્તિને