આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫
નવો શિષ્ય.

છે ? પંચ તત્વને પોતાના કબજામાં રાખવાનું માણસથી બને છે? ને પોતાના જીવિતને શસ્ત્રથી કે વ્યાધિથી બચવાનું માણસને શકય છે ?”

“હા એ બધું થોડાને પણ સંભવે તો છેજ, પણ યાદ રાખજે કે જે થોડાને તે સંભવે તે પ્રત્યેકને બદલે સહસ્ત્રાવધિને તે નથી સંભવતું; એટલું જ નહિ પણ પ્રયત્નમાંએ બહુ ક્લેષજ પ્રાપ્ત થાય છે.”

“ત્યારે એક બીજી શંકા. તું પોતે—.”

“બસ; મારી વાત વિષે હું કાંઈ કહેતો નથી.”

“ઠીક, ત્યારે જે પુરષ હવણા મને મળ્યો છે તેની વાતો ખરી માનું ? શું એ પુરુષ ખરો મહાત્મા છે, સિદ્ધ છે ?”

“રે ઉતાવળીઆ ધીર ! તારી કસોટી થઈ ચૂકી છે. તેં તારો નિર્ણય કર્યો છે. જા, ધીરજ રાખજે ને સિદ્ધિ મેળવજે. હા, હું તને એવા ગુરુને સોંપુ છું કે જેને ગુપ્તવિદ્યાનાં દ્વાર તારા આગળ ખુલ્લાં કરવાની શક્તિ અને ઈચ્છા બન્ને છે. એના નિર્વિશેષ જ્ઞાનમાં તારાં એક વ્યક્તિનાં સુખ કે દુઃખનો હીસાબ નથી; તારે તારું સાચવવાનું છે; એ ખુબ યાદ રાખજે. હું એને તારા ઉપર હાથ મૂકતા વારૂ છું, પણ એ મારૂં માનતો નથી. ગુરુદેવ ! તમારા શિષ્યને સ્વાધીન કરો,” લાલાજીએ તુરતજ પછવાડે જોયું તો એણે ગુરુ મત્સ્યેન્દ્રને અધરથી ઉતરતા હોય એમ આવતા દીઠા અને જરા ચમક્યો. મત્સ્યેન્દ્ર લાલાજીનો ખભો થાબડી, હાથ પકડ્યો.

“રામરામ” ગુલાબસિંહે કહ્યું “તારી યાતના હવે શરૂ થઈ. આપણે ફરી મળીશું ત્યારે, કોણ જાણે તું જોગ કે રોગ જે તે એક લાવ્યો હોઈશ.”

લાલાજીએ ગુલાબસિંહને જતાં જોયો, ને તે છેક નદીએ પહોંચ્યો ત્યાં સુધી જોઈ રહ્યો. એણે હમણાંજ જાણ્યું કે નદી ઉપરની હોડીમાં એક સ્ત્રી છે, જેમકે જેવો ગુલાબસિંહ અંદર દાખલ થયો તેવી તે ઉભી થઈ. તેણે લાલાજીને દૂરથી “રામરામ” હ્યા, પણ લાલાજી આવેશથી ગદ્‌ગદિત થઈ ઉત્તર વાળી શક્યો નહિ. હોડી ચાલી, દૃષ્ટિ બહાર ગઈ. એજ ક્ષણે, જાણે પોતાની શક્તિથીજ ઉત્પન્ન કર્યો હોય તેવો, અનુકૂલ મૃદુ પવન વાવા લાગ્યો, અને હોડીના શઢમાં ભરાયો. ગુરુ તરફ નજર કરી લાલાજી બોલ્યો “ગુરુદેવ ! એટલું કહો કે આ અબલાનું ભાવિ પ્રિયકર થાઓ, ને એણે જે કર્યું છે તે સારું જ કર્યું છે ?”