આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩
પ્રથમ ક્રમ.

લાલાજીએ એ આજ્ઞા માથે ચઢાવી, ને મત્સ્યેન્દ્ર અંદર ગયો; અંદરના ઓરડામાંથી, પૂર્વે જે ધૂમ્ર લાલાજીને પ્રાણઘાતક નીવડ્યો હતો તે કરતાં વધારે ફીકો અને સુગંધમય ઝીણો ધૂમ્ર બહાર આવવા લાગ્યો, એનો સ્પર્શ થતાંજ લાલાજીને અંગમાં સહજ કંપનો આંચકો લાગ્યો, અને એની નાડીએ નાડીમાં ચમકારો વ્યાપી ગયો. જે જડતા વ્યાપવા લાગી તે વધતી ચાલી; છતાં ચૈતન્ય શૂન્ય ન થયું; લાલાજીએ પેલા તારા ઉપરથી દૃષ્ટિ ખશેડી નહિ' એ તારાનો અણુરૂપ પરિઘ અતિ વિપુલ વિસ્તાર પામવા લાગ્યો; એનો પ્રકાશ ધીમે ધીમે વધારે સ્વચ્છ અને મૃદુ થવા લાગ્યો ને વિસ્તાર પામતે પામતે ચોતરફ છવાયો, આખી સૃષ્ટિને જાણે ગળી ગયો. આવી ચંદ્રપ્રકાશ જેવી સર્વત્ર વ્યાપેલી પ્રભામાં મત્ત થતાં એને એમ લાગ્યું કે માથામાંથી જાણે કોઈ બંધન રૂપ સાંકળનો આંકડો તૂટ્યો; ને તે જ ક્ષણે કોઈ દિવ્યસ્વાત્તવ્ય, કોઈ અવર્ણ્ય આનંદ, કોઈ અગાધ ચિત્પ્રસાદ કોઈ વિલક્ષણ લઘુતા એને એ પ્રભામય વિશ્વમાંજ જાણે ઉપાડી ચાલી. એ ક્ષણે “તારે હવે સૃષ્ટિ ઉપર શું જોવું છે ?” એમ ત્સ્યેન્દ્રે પૂછ્યું. લાલાજીએ અંતર્‌માંજ ઉચ્ચાર કર્યો : “ગુલાબસિંહ અને મા.” બોલતાની સાથેજ એ રૂપેરી પ્રકાશ જેમાં શુદ્ધ સત્ત્વપ્રભા વિના બીજું કાંઈ વરતાતું ન હતું તેમાં ત્વરાથી અનેક સૃષ્ટિલીલા અને વનપ્રદેશાદિ ક્રમે ક્રમે ચાલી જવા લાગ્યાં. છેવટે એક નાની ગુફા તથા ચોતરફ છવાયલી વસંત જેવી વનલીલા અને એક નાની નદીના મીઠા તરંગ એટલું એ પ્રકાશમાં સ્થિર થયું. થોડેક દૂર એક ભવ્ય શિવાલય હતું, તે એ સર્વ ઉપર અતિ સુંદર રીતે વિસ્તારેલા ચન્દ્રપ્રકાશમાં ગુફાની બહાર તથા નદીના કીનારા ઉપર બે આકૃતિઓ હતી; તેને તે વખતે બોલતી પણ એણે જોઈ. ગુલાબસિંહ એક પથરા ઉપર બેઠો હતો, ને મા લીલી ઘાસ ઉપર લાંબી થઈ પડી એકી નજરે એના મુખમાંથી, ઉદાર, પૂર્ણ પ્રેમ જે અમૃત પ્રેમની દૃષ્ટિમાંથી પીએ છે, તે અવર્ણ્ય રીતે પીતી હતી. સુખની પરાકાષ્ઠામાં જણાતી હતી. વળી ત્સ્યેન્દ્રે પૂછ્યું “એમની વાતચીત સાંભળવી છે ?” તુરતજ લાલાજીએ વાણી વિના ઉત્તર વાળ્યું “હા.” એમની વાણી એને કાને આવવા લાગી. પણ તે એટલી ધીમી, એટલી મૃદુ, કે જાણે કોઈ સ્વર્ગના દેવ તરફથી અતિ દૂર રહે તે બોલાતી હોય.

મા એ કહ્યું “એમ કેમ છે, પ્યારા ! કે તમને અજ્ઞાનના લવારા સાંભળવામાં આનંદ પડે છે ?”