આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૫
ગૃહસ્થાશ્રમ.

તેજ તેને જગત્ છે, એમ મા અને ગુલાબસિંહ એક એકને આખા જગત્‌ની ગરજ સારતાં એ સ્થાને પ્રેમાનંદમાં મત્ત થઈ આનંદતાં હતાં. દિલ્હીની રાજ્ય રમતો અને હિમાલયનાં જ્ઞાનસ્થાન તે બધુ આ જોડાને આ સમયે નિરુપયોગી હતું, તેની તેમને અપેક્ષા ન હતી, તે પોતેજ પરસ્પરને જે જોઈએ તે હતાં; સર્વ હતાં. પૃથ્વી, આકાશ, નદી, વિશ્વલીલા એટલાંજ, પ્રેમબદ્ધ એવાં જ્ઞાની તેમ અજ્ઞાની સર્વને આનંદ પમાડવા પૂર્ણ છે.

ગુલાબસિંહના બાહ્યાકારમાં પોતે ગુપ્ત વિદ્યાનો ઉપાસક છે એમ જણાવનારૂં કાંઈ હતું નહિ, તો પણ જેમ કોઈ માણસ ગઈ વાતને સંભારવામાં ગરક થઈ વિચારમાં લીન રહેતો હોય તેના જેવી એની રીતભાત જણાતી. એને એકલાજ રખડવુ બહુ ગમતું, ને મુખ્યત્વે કરીને અરુણોદયે કે પૂર્ણચંદ્રથી ખીલી રહેલી રાત્રીએ ગાઉના ગાઉ સુધી આસપાસનાં જંગલોમાં એ રખડ્યાં કરતો. કોઈ કોઈ વાર તો, મારો પ્રિયતમ અત્યારે અહીં નથી એવી સ્વાભાવિક પ્રેરણાથીજ હોય તેમ મા મધ્યરાત્રીએ જાગી ઉડતી અને હાથ ફેરવી તપાસ કરતી તો ગુલાબસિંહ પોતાની સોડમાં માલુમ પડતો નહિ. પણ મા જાણતી કે એ વિચિત્ર ટેવ ગુલાબસિંહ તજવાનો નથી, એટલે પોતાને ઘણી વાર ભાતભાતના ઉલટા સુલટા તર્ક વિતર્ક થાય તો પણ પૂછવાની હીંમત કરતી નહિ. ગુલાબસિંહ હમેશાં એકલો જ રખડતો એમ ન હતું, જ્યારે ગંગાનો પ્રવાહ શાન્ત અને મધુરો ચાલ્યો જતો જણાય, અને પશ્ચિમના સૂર્યનાં સોનેરી અને કાંઈક રાતાં કિરણ જ્યારે તેના શ્વેત તરંગોમાં પરાવર્તન પામે, ત્યારે એક નાની હોડીમાં બેશી માને પોતાની સોડમાં લઈ ગુલાબસિંહ પહોર પહોર બબે પહોર સુધી આમતેમ ફરવામાં ઘણો આનંદ માણતો. કોઈ કોઈ વાર પ્રયાગવડ સુધી, પોતાની પ્રિયાને આંગળીએ વળગાડી, ચાલીને જતો, ને ત્યાં કૃષ્ણરૂપી આદિ વિષ્ણુની, માને કોઈ અલૌકિક આશ્ચર્ય લાગે એવી ભવ્ય વાતો કરતો, પણ છેવટ વિષ્ણુ અને ક્ષ્મીના અભેદરૂપ પ્રેમના ઉત્તમ વર્ણનમાં તેને લીન કરી સરૂપ કરી દેતો. મા જેમ જેમ ગુલાબસિંહનો વધારે પરિચય પામતી ગઈ તેમ તેમ તેને સમજાયું કે પ્રથમથી પોતાને જે જાદુ જેવી અસર થયેલી હતી તે કરતાં પણ અધિક અસર થાય એવું પોતાના પ્રિયતમમાં ઘણું ભરેલું છે. પોતાના ઉપર માનો પ્રેમ એટલો બધો મૃદુ અને એટલે બધો તીવ્ર છે, અને તેમાં નિત્યતાનો એવો કોઈ ગુણ છે કે પ્રેમને લીધે જે સંભાળ