આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૩
બે મિત્ર.

ઉન્નત, અને આપણા સ્વભાવને અનુકૂલ બીજું શું હોય ! આપણામાં જો કાંઈ શક્તિ હોય તો તેનો ઉપયોગ શો ? તેના બને તેટલા પૈસા કરવા ! હર કોઈ ચીજ ખરીદીએ છીએ તેમ જ્ઞાન પણ ખરીદવું; થોડામાં થોડી કિંમતે ખરીદવું, ઘણામાં ઘણી કિંમતે વેચવું. ચાલ, ચાલ, હવે કેટલીક વાર !”

બંને મિત્રો રસ્તામાં નીકળી પડ્યા, રામલાલની પોતાની આબરૂ પ્રતિષ્ઠા પ્રિયા વગેરે બાબત વિષે લાલાજી જે ટોળ ટપ્પા મારતો હતો તેથી રામલાલ બહુ શરમ પામતો હતો. પૂર્વે એમ હતું કે રામલાલની કાંઈક અસર લાલા ઉપર હતી, પોતે તેને ઉડાવતો, બનાવતો, ને લાલો પોતાની વિલક્ષણતાથી શરમાઈ જતો. હવે વાત અવળી થઈ ગઈ હતી. લાલાના બદલાયેલા મિજાજમાં કોઈ એવો આવેશ ભરાયો હતો કે રામલાલની પ્રકૃતિનું સાધારણપણું તેના આગળ દબાઈ જતું હતુ. લાલો એમજ માનવામાં સામર્ષ આનંદ સમજી લેતો કે દુનીયાંમાં જે લોક સીધુ જીવન ગાળે છે તે નીચ અને ગર્હ્યજ છે.

“ખરેખર” તે બોલી ઉઠ્યો “પ્રતિષ્ઠિત રીતે લગ્ન કરી લેવાનું તું મને કહેતો હતો તે બરાબર હતુ – એમ કરી આબરૂદારમાં ગણાવું ખરૂં હતુ; આખી દુનીયાં અને પોતાની બૈરીથી રાત દિવસ ડરતાજ રહેવું જોઇએ; ને એમ ગરીબ લોકની અદેખાઈને અને પૈસાદારના માનને પાત્ર થવું જોઈએ. જે વાત તું કહેતો હતો તે તે કરી બતાવી છે. બહુ સુખ ! દહાડે દુકાનના ચોપડા અને રાતે ગોદડામાં ભાષણ ! અહો-હો-હો ! કેમ દોસ્ત ! ફરી એવી રાત મચાવીશુ ?”

રામલાલે કચવાટ અને નિર્વેદથી વાત લાલાના વ્યવહારકાર્ય ઉપર ફેરવી નાખી. એ ચીતારાએ એકાએક દુનીયાંદારીનું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તે જોઈ રામલાલને આશ્ચર્ય લાગ્યું, અને વધારે નવાઈ તો બજારમાં ચાલતા બધા ભાવ તાલ વિષે જે ચોક્કસપણાથી લાલો વાત કરતો હતો તેથી લાગી. ખરેખર લાલો નક્કી દુનીયાંદારીમાં પડવાની તૈયારીમાં હતો – અને પૈસા અને પ્રતિષ્ઠાની ઈચ્છા થઈ હતી — અને પોતાના પૈસાના ઓછામાં ઓછા બાર આના ઉપજાવવાનો એનો નિશ્ચય હતો.

લાલો થોડાક દિવસ પિતાના વેપારી મિત્ર સાથે રહ્યો, પણ તેટલામાં એના આખા ઘરને ઉંધું ચતુ કરી નાખ્યું – રાતને દિવસ કરી મૂકી – વ્યવસ્થાને અવ્યવસ્થા બનાવી દીધી – રામલાલની પત્નીને ગાંડા જેવી બનાવી દીધી – અને રામલાલને એમ ખાતરી બેસાડી દીધી કે હું ઘણોજ બાયડીને તાબે થઈ ગયેલો દુઃખી