આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૦
ગુલાબસિંહ.

અને આખો ઓરડો ચકર ચકર ફરવા લાગ્યો. ગુલાબસિંહના વિષે પોતાના મનમાં જાગેલા વહેમો ફરી જાગ્રત્ થયા. આ વાતને સંબધે તેમના ઉપર વધારે અજવાળું પડવા લાગ્યું, પ્રેમભાવે અત્યાર સુધી પોતાની ભુલરૂપે જે વહેમને ઠરાવ્યા હતા તેજ પોતાના પ્રિયતમના સત્ય સ્વરૂપને સ્થાને ભાસવા લાગ્યા ! ત્રાસ પામતી ગાભરી માતા તુરત પોતાના બાલક ભણી વળી, તેને હાથમાં લઈ છાતીએ ચાંપવા લાગી.

“ અરે અભાગણી ” લાલાજી બોલ્યો “ જેને બચાવવાની તારામાં શક્તિ નથી એવા બાલકને પણ વળી તેં જન્મ આપ્યો છે કે ? એને ધવરાવીશ નહિ, ગયાના પ્રવાહમાં જ નાખી દે, ગળે ટુંપો દેઈને મારી નાખ; કેમકે મોત પામવાથી પણ એના જીવને સુખ થશે.”

આ સમયે માને, ગુલાબસિંહ રાત્રીએ બાલક પાસે બેસી રહેતો, કોઈ અજાણી ભાષામાં કાંઈક બબડતો, બાલક અને એ બન્ને કાંઈ હસતા, તે બધું સ્મરણમાં જાગી આવ્યું. બાલકના સામું જોતાં તેની સાકૃત દૃષ્ટિમાં જાણે માને કાંઈક સમજાયુ–પોતાના તર્ક સત્ય છે એવો ભાસ દેખાયો. માતા અને તેને સાવધ કરવા આવનાર ઉભયે સ્તબ્ધ થઈ ગયાં—બારીએથી આથમતા સૂર્યનાં કિરણ આછા આછાં એ ત્રણે ઉપર પડતાં હતાં, ઓરડામાં સાયંકાલના દીપ પ્રકટ થઈ ચૂક્યા હતા, દીપ પાછળ આ ત્રણેથી અજ્ઞાત રીતે પેલી વિકરાળ આકૃતિ—રક્તબીજ લપાઈ રહી હતી.

પરંતુ ધીમે ધીમે યુવતી માતાના મનમાં સારા અને શુભ વિચારોનું, પોતાના પ્રિયતમની સાથેના ઉચ્ચ પ્રસંગોનું, ભાન સ્ફૂરવા માંડ્યું. બાલકની આકૃતિ તેના પિતાના જેવીજ જણાવા લાગી, અને એ બાલકના મોંમાંથી કાંઈક આવા સખેદ શબ્દો નીકળતા હોય એવું લાગ્યું. “ તારા બાલકરૂપે હું તને કહું છું; તું અને તારા ઉપર મેં જે પ્રેમ રાખ્યો તેના બદલામાં તું મારા ઉપર અશ્રદ્ધા કરે છે, એક ડાગળી ખસેલો માણસ ગમે તેમ કહે છે તે ઉપર શ્રદ્ધા કરી મારા ઉપર શંકા આણે છે?”

માએ છાતી ભરી ઉંડો નીસાસો નાખ્યો, અંગ જરા વધારે સ્થિર અને સીધું કર્યું, આંખમાંથી ભવ્ય પ્રકાશ નીકળવા લાગ્યો; અને બોલી ઉઠી.

“ ચાલ, ચાલ, તારા પોતાના ગાંડાબલથી ગમે તેમ લવનાર લાચાર જીવ ! ચાલ, મારા આગળથી તું તારે માર્ગે જા. જો આ બાલકના પિતા ઉપર મને શંકા આવે એવું હું કાંઈક દેખું તો તે માનવા કરતાં હું મારી આંખોને