આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૩
ગુલાબસિંહે મસ્ત્યેન્દ્રને લખેલું પત્ર.

દીઠી; તે વિધવાઓને, પતિપરાયણ પ્રેમબદ્ધ બાલાઓને, આ રાક્ષસોએ ઘરમાંથી ઘસડી આણી નવા પતિ કરવાની આજ્ઞા કરી. પણ ઉગ્ર પ્રેમમાં પોતાના આત્માની જેણે પવિત્ર આહુતિ આપેલી એવી તેમણે ઉંચી નજર પણ કરી નહિ, આનંદથી મરણનો સ્વીકાર કર્યો ! આવું પરાક્રમ, આવું સાહસ ક્યાંથી આવતું હશે ! એવા જીવ પોતા કરતાં કોઈ ઉચ્ચતર આત્માને પોતારૂપ માને છે, ને તે માટેજ સર્વદા જીવે છે; પણ આ પૃથ્વી ઉપર અનંતકાલ સુધી જીવ્યાજ કરવું એ તે આપણા પોતાનાજ આત્મા માટે જીવવા જેવું કૃપણજીવન છે, સ્વનો વિસ્તાર કરી પરને પણ તે સ્વમાં ઉતારવાનો માર્ગ સ્વાર્પણ વિના બીજે ક્યાં છે ? આ યમગૃહમાં, આ રુધિરસ્ત્રાવમાં, અન્યાયના નિવાસમાં પણ પરમાત્મા પોતાના અનુચર ધર્મરાજાની ભવ્ય પવિત્રતા માણસોને સ્પષ્ટ બતાવી આપે છે.

* **** *

તારૂં દર્શન મને પુનઃ ભાવનામાં થયું છે, મારા પ્રિય પુત્ર ! તને જોઈ મેં આશિર્વાદ આપ્યો છે, તું મને તારા સ્વપ્નમાં જોતો કે ઓળખતો નથી ! જે દિવ્ય સત્ત્વોને તારા રક્ષણ પોષણ માટે તારી આસપાસ સ્થાપવાનું સામર્થ્ય મારામાં હજી પણ રહેલું છે તેની અસર તને લાગતી નથી. અને જ્યારે તું આવી સુખમય નિદ્રામાંથી જાગે છે ત્યારે તારી આતુર દૃષ્ટિ મૌન સંભાષણથી તારી માતાને પૂછતી નથી “! તે શા માટે મને બાપ વિનાનો બનાવ્યો છે?”

રે અબલા ! તને પશ્ચાત્તાપ થતો નથી ? स्त्रजमपि शिरस्यंध: क्षिप्तांधुनोत्यहिशंकया ? —કલ્પિત ભયમાંથી તું નાઠી;–નાશીને છૂટવા જતાં સાક્ષાત્ ભયમાત્રના સદનમાં, યમનાજ ઘરમાં, તું સપડાઈ નથી ? અરે ! આપણે એકજ વાર મળીએ તો તુરત જેનો તેં વિના કારણ અપરાધ કર્યો છે તેને ભેટી નહિ પડે ! અને આ મહાભયમાં તે તારા ખરા શરણને પ્રાપ્ત કર્યું એમ નહિ માને ! મત્સ્યેન્દ્ર ! મારી શોધ હજી પણ વ્યર્થ જાય છે; હું અમલદારો, ચોર લોકો, સર્વ સાથે મળતો ફરું છું, તપાસ કરું છું, પણ મને પત્તો લાગતો નથી. એ અહીં આવી છે એમ મને લાગે છે; એક પ્રેરણાથીજ મને એવું લાગે છે, કેમકે મારા પુત્રની ભાવના મને વધારે તાદૃશ, વધારે પ્રેમમય, વધારે ઉષ્ણ લાગે છે.

આ ગામના રસ્તાઓમાં હું ફરતો હોઉં છું ત્યાં પણ છે લોકો મારા ઉપર ઝેર ને ઝેર ભરી નજરે જુએ છે, કોઈ કોઈનો વિશ્વાસ જ કરતું નથી, સર્વ પોતપોતાની મહત્તા સાધતાં બીજાની લઘુતા ઇચ્છે છે, એક દૃષ્ટિપાતથી જ હું