આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૦
ગુલાબસિંહ.

પ્રકરણ ૫ મું.

પ્રેમ અને વૈર.

લાલાજી માના આવાસમાંથી ઉતાવળો ઉતાવળો નીકળીને દોડતો ચાલ્યો, તેના સપાટાના વેગમાં, અને એના મગજમાં જે વિચારો ચાલતા હતા તેની ધૂનમાં, એના દીઠામાં આવ્યું નહિ કે આંગણામાં એક ભીંતના ખૂણાને ઓથે બે માણસો અંધારામાં ભરાઈ રહીને ચર્ચા જુવે છે. એ સમયે પણ પેલા રક્તબીજને તો એ પોતાની સાથે સાથેજ દેખતો હતો. તેની વિકરાલ આંખો ઉપરથી પોતાની દૃષ્ટિ ફેરવવા યત્ન કર્યા છતાં ફાવતો ન હતો; પણ મનુષ્યની ઈર્ષ્યાકુલ દૃષ્ટિ અને વિશેષે નારીના દ્વેષની કદાપિ ન ટળે તેવા અતિ ગૂઢ રોષની દૃષ્ટિ એણે દીઠી નહિ !

લાલાજીની પૂઠ વળી કે તુરત બંદો માના આવાસના બારણા આગળ આવ્યો, ગોપિકા પણ તેની પાછળ પાછળ આવી. બારણાં આગળ જે માણસ હતો તેની સાથે, હાલના સમયને અનુસરી કેવી રીતે વાત કરવી તે બંદાને સારી પેઠે ખબર હતી. તેને દેવડી ઉપરથી પોતાની પાસે બોલાવી કહ્યું કે “અરે બિરાદર ! આ શું ! તારા ઘરમાં તેં એક શકવાળું માણસ સંઘરેલું છે !”

“બિરાદર ! મને ભય છે ? આ તમે શું બોલો છો !— એમ હોય તો એ પુરુષનું નામ મને કહો.”

“એ પુરુષ નથી, — એક રાજદ્રોહી… અહીંની જગા તારી છે; અહીંઆં તેવી કોઈ રહે છે કે નહિ ?”

“હા — રહે છે; ઉપર જાઓ, ડાબી બાજુનું બારણું તેનું છે. પણ એને બીચારીને શું છે ? એ તો ગરીબ છે.”

“સાંભળ, વિચારીને બોલ, તને એની દયા આવે છે કે ?”

“ના, ના, ના, મને … … … … …”

“બોલ, સાચે સાચું કહી દે, એની પાસે કોણ આવે છે ?”

“કોઈ નહિ, માત્ર એક રજપૂત જેવો, કોઇક જેપુર જોધપુર તરફનો હોય તેવો ફક્કડ આવે છે.”

“રજપૂત ! — હા એજ ! જોધપુરના મહારાજાનો એ હેર છે.”