આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૫
ભલાઈના બદલો.

“સાહેબ ! આપને સલામ કરવા આવ્યો છું.”

“તું તો પેલા કાફરોનો પરવરશ કરનાર” કાજીએ જરા વધારે બારીકાઈથી બંદાનો ચહેરો અવલોકી, કહ્યું “બેવકૂફ મનસૂરનો ચેલો છે; તારોજ અમારે ખપ હતો. બોલ શા માટે આવ્યો છે? એ મનસૂર મારો દુશ્મન છે, બાદશાહના આગળ મારી ચાડી કરે છે, એનો ને તારો હવે વખત આવી રહ્યો છે.”

" અરે મેહેરબાન ! મનસૂરનો કે મારા સગા બાપનો પણ હું ભરોસો કરતો નથી. હું તો આપનીજ નોકરીમાં તૈયાર છું અને અત્યારે પણ આપને ઘણી જરૂરની ખબર આપવા આવ્યો છું” એમ કહી બંદાએ લાલાના ઘરમાંથી આણેલા પેલા કાગળો કાજીના પલંગ ઉપર મૂક્યા, ને કહ્યું “ આ કાગળોથી આપના સમજવામાં આવશે કે હજી કીયા કીયા રજપૂતો ને મુસલમાનો કોની કોની સાથે કાવતરાં કરે છે. "

" ત્યારે આ લાલો કોણ છે ? ”

" યપુરનો ચીતારો છે–રજપૂત છે.”

“આટલી બધી લાગ વગ વાળો છે. ત્યારે તો એને જયપુરના મહારાજા વિષે તેમ બીજા જે જે રાજા આપણા દોસ્ત હોવાનું કહે છે તેમના વિષે પણ પૂરેપૂરી ખબર હશેજ.”

માટે તો હું આ કાગળ લાવ્યો છું; એ લાલાજી મારો પરમમિત્ર છે, પણ જ્યાં આપણા દીનની વાત આવી ત્યાં હું મિત્રની કે કોઈની દરકાર કરતો નથી. આપ એમાં જુઓ કે પૃથુરાજને છોડાવી જવા માટે અને બાદશાહને નુકસાન કરવા માટે દુશ્મનોએ કેવી યુક્તિ લડાવી છે, અને આ લાલાને અહીંઆ તે યુક્તિ પાકી, ગોઠવવાને કેવો રાખેલો છે ?” કાજીએ કાગળો ઉપર નજર ફેરવી જઈ કહ્યું “ ખરી વાત છે, આ લાલો ક્યાં રહે છે?

બંદાએ લાલાજીનો પત્તો બતાવી કહ્યું “ એ માણસ હંમેશાં એક સ્ત્રીને મળે છે, ને તે સ્ત્રી ઘણી નિર્દોષતાનો વેષ કરી ગરીબાઈના ડોળથી રહે છે, પણ કાવતરામાં પૂરેપૂરી સામીલ છે.”

" બંદા ! તારા ઉપકારનો બદલો વાળવામાં અમે ચૂકીશું નહિ, તું ખરો વફાદાર છે, તારા ઉપર અમને હવે કશો અંદેશો નથી.”