આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૫
મહાત્માનું માહાત્મ્ય.

પ્રકરણ ૧૧ જું.

મહાત્માનું માહાત્મ્ય.

પ્રાતઃકાલેજ ! – પણ ક્યારની એ પ્રદોષ સમયની અરુણતા પશ્ચિમમાં વિસ્તરી રહી છે, એક પછી એક તારા ડોકીયાં કરવા લાગ્યા છે, યમુનાના તરંગમાં અસ્ત પામતા દિવસનો પ્રકાશ હજી ઝાંખો ઝાંખો પણ રમી રહ્યો છે. મ્લેચ્છોએ નિર્માણ કરેલી વધભૂમિ ઉપર શીઆળ અને ઘૂવડ ચોરાતે ચોરાતે પગલાં કરવા લાગ્યાં છે. રુધિરનો ત્યાં કર્દમ થઈ રહ્યો છે, અને તેની ઘોરતાનો ભયંકર અંધકાર આંખોને ઝાંખ પમાડી પાછી હઠાવી દે છે. કાફૂરના મકાનમાં અનેક મસ્લહતો ચાલી રહી છે, બાદશાહના તરફથી ઉપરા ઉપરી સંદેશા આવે છે, પ્રાતઃકાલે શી રીતે એકાએક મહાત્રાસ વર્તાવી રાજ્યાસને અભિષિક્ત થવું, યચંદ આદિ વીરમંડલને ધ્રૂજાવીને દબાવી દેવું તેની યોજના ચાલી રહી છે. રજપૂતોની મંડલીમાં પણ યચંદ અત્યારે સર્વને શૂરત્વનું પાન કરાવતાં વચનોથી તૈયાર રહેવાની સલાહ આપતો જણાય છે. રજપૂતો માત્રનાં મન પ્રાતઃકાલ માટે તલપી રહ્યાં છે. આમ ચોપાસા ગરબડ, અવ્યવસ્થા, આતુરતા વ્યાપી ગયાં છે, મહાભયંકર તોફાનની પૂર્વનો રંગ જામી રહ્યો છે. તોફાન થતા પૂર્વે ચકલીઓ ઉંચેથી નીચે નીચે ઉડતી આવે છે, પશુઓ એક એક સાથે ટોળે થઈ જાય છે, પણ નાનાં માણસની આવી નાની વાતોના આ નાના ગરબડાટની ઉપર તરતો એ એક જુવાન અત્યારે પોતાના આવાસના ઉંચા ઓરડામાં એક મહાગંભીર વિચારમાં ઉભો છે. મર્ત્યસ્વભાવરૂ૫ વ્યવહારમાં પણ અમર એવા અભેદમય સમષ્ટિચેતનની એક મૂર્તિરૂપ એનો વ્યષ્ટિરૂ૫ પિંડ નવો ને નેવો, યૌવનપૂર્ણ તે યૌવનપૂર્ણ જ છે, એને અનંતયુગ, અનંત કલ્પોથી કાંઈ વિકાર થશે નથી.

સાધારણ હીંમત અને અક્કલથી જે જે યુક્તિ અને ઉપાય થઈ શકે તે બધાં અજમાવ્યા છતાં વ્યર્થ થયાં હતાં. અને વ્યર્થ જાય જ, કેમકે મરણના સામ્રાજ્યમાં એક જીવનને સાચવવું એજ એવા બધા યત્નોનો હેતુ હતો. બાદશાહના પોતાના મરણ વિના ગુલાબસિંહની પ્રિય વસ્તુ બચે એમ ન હતું; પણ હવે સમય રહ્યો ન હતો, બાદશાહ પડે તો પણ માત્ર વૈરજ વાળી શકાય, જે બચાવવાનું તે બચાવી તે નજ શકાય.