આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૩
પ્રેમનું સ્વાર્પણ.

પ્રકરણ ૧૨ મું.

પ્રેમનું સ્વાર્પણ.

રાત્રી ઘણી ગઈ હતી, પણ તે સમયે કાફૂર કાજી અને તેના બે સલાહકારો એકાંતમાં વિચાર કરવા બેઠા હતા. જે બે માણસો અત્યારે કાજીની પાસે બેઠા હતા તેમાંનો એક કાજીના આગળ ફરીઆદી તરીકે કામ ચલાવનારો અને એક કાજીની સજાનો અમલ કરનાર લશ્કરી અમલદાર હતો. પ્રાતઃકાલ થતાં જે કરવાનું ઠરેલું હતું તે શી રીતે પાર પાડવું, કેવો બેત કરેવો, રજપૂતોને કેવી રીતે દબાવી રાખવા, અને એકદમ સો માણસોને તુરત જલ્લાદને સ્વાધીન કરી દેવા માટે શી તદબીર કરવી, એ વાતો ઉપર આ ત્રણે જનનું ચિત્ત પરોવાયું હતું. છેક સાયંકાલેજ બાદશાહ તરફથી એમ કહાવવામાં આવ્યું હતું કે આંખો ફોડી નાખી બંદીખાનામાં પૂરી રાખેલા પૃથુરાયના સામર્થ્યનું અદ્ભુત પરાક્રમ જોવાનો દિવસ પણ આવતી કાલે સાંજે ચાર ઘડી દિવસ હોય તે વખતનો ઠરેલ છે, ને તે સમયે કાંઈ પણ તોફાન ન થાય તેને બંદોબસ્ત રાખવાનો સર્વને, અને વિશેષે કરી જે લશ્કરી અમલદાર આ મસ્લહતમાં સામીલ હતો તેને, હુકમ છે. સૂર્યોદય સાથે જે દિવસનો આરંભ થવાનો હતો તે દિવસે મુસલમાની રાજ્યસત્તાનો છેવટનો નિર્ણય થવાનો હતો, રાજકીય વિવ્હલતા ઉપરાંત પોત પોતાના સ્વાર્થની, પોત પોતાના જાનમાલની, અનંત પ્રકારની ચિંતાની વિવ્હલતા પણ અત્યારે નિદ્રા લેતાં જનોનાં સ્વપ્નને વિકરાલ બનાવી રહી હતી, આ સ્થાને મળેલા આ ત્રણ જણના મનને મહાક્લેશ ઉપજાવી રહી હતી. કાફૂરના મનમાં ધીમે ધીમે નવા વિચારો સ્થાન પામ્યા હતા, બાદશાહની પ્રીતિ સંપાદન કરવા ઉપરાંત પણ તે વિચારોએ પોતાનો પ્રભાવ લંબાવ્યો હતો. બાદશાહને સંતાન ન હતું ને તેમાંજ તેની આશા હતી. એમ હોવાથી કાર્ય કરવાની આતુરતા વૃદ્ધિ પામી હતી, હૃદય વધારે સખ્ત થયું હતું, બુદ્ધિ વધારે ક્ષીણ થઈ હતી. જે લશ્કરી અમલદાર એની સામે બેઠો હતો તે દારૂડીયો, તોફાની, અને ચોર લોકોનો મુખ્ય હોવાને લીધે પ્રથમે છુપા હેર લોકોના વર્ગમાં દાખલ થઈ છેવટે આ હોદ્દે ચઢેલો હતો. અવિચારિતાની જ તે મૂર્તિ હતો, જે કામ ચલાવનાર અમલદાર તે તો હાહુલીરાયના ખાસદારનો સાળો હતો, અને કાવતરાંથી બંદા સાથે મળી જઈ પોતાના માલીકને આડે રસ્તે ઉતારી, આટલે દરજ્જે ચઢ્યો હતો. ઉચ્ચતા,