આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૨
ગુલાબસિંહ.


ગયેલા જોનારા પણ એ આકૃતિથી કાંઈક ઝંખવાઈ જઈ પાછા હઠ્યા, તેમણે જીવતા એવા કોઈમાં આટલી ખુબી કોઈ વાર ન દીઠી ન હતી. પણ જેમ ધીમે ધીમે તે લોક પાસે આવતા ગયા તેમ તેમને જણાયું કે હસતા હોઠમાંથી શ્વાસ જતો આવતો ન હતો, જે શાન્તિ હતી તે પાષાણની શાન્તિ હતી, અને જે ભવ્યતા અને સૌંદર્ય જણાતાં હતાં તે મરણની ભવ્યતા અને મરણનું સૌંદર્ય હતાં. મૌન રહી સર્વે આસપાસ ભરાઈ ગયા, તો એ અબલાની પાસે ભોંય ઉપર એક અતિ તેજસ્વી બાલકને તેમણે પોતાની માના સાળુનો છેડો ઝાલી તેની સાથે રમતો જોયો. બંદીખાનામાં માબાપ વિનાનું બાલક !

“આ બિચારાનું શું થશે” એક સ્ત્રી જે પોતે માતા હતી તે બોલી “કહે છે કે એનો બાપ પણ કાલે પડ્યો ! અરે અત્યારે મા ગઈ ! એ પશુ શું કરશે ?”

આ સ્ત્રી આવું બોલતી હતી તેવામાં બાલકે લોકો સામું જોઈ નિર્ભય વદને હસવા માંડ્યું; એટલામાં જ પેલો વૃદ્ધ સંન્યાસી જે આ ટોળામાં હતો તે આગળ આવ્યો, અને બોલ્યો “બાઈ જો; માબાપ વિનાનો છોકરો કેવો હસે છે ! જેનું માબાપ કોઈ નથી તેનો માબાપ પરમાત્મા છે.” એમ કહેતો ત્યાંજ ગેબ થઈ ગયો.


સમાપ્ત.