આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
ગુલાબસિંહ.

ઉપરથી જે ફળની આશા રાખી શકાય તે ફલ હૃદયરૂપી વૃક્ષ ઉપર પાકું થઈ શકતું નથી. ચિત્રની પીછી લઈને એકાંતમાં બેઠા હોય ત્યાં, અથવા પોતાના દિલોજાન મિત્રોમાં હોય ત્યાં, સરખી જ મઝા માનતા લાલાએ, હજુ ગાઢ પ્રેમનું માહાત્મ્ય સમજવા જેટલું દુઃખ વેઠ્યું ન હતું. માણસ સંસારની અમૂલ્ય વસ્તુની યોગ્ય પરીક્ષા કરી શકે તે પહેલાં, સાધારણ વસ્તુઓનો પરિચય થઈ તેનો નિર્વેદ કે તેની પરિપૂર્ણ પરિતૃપ્તિ પામવાની તેને આવશ્યક્તા છે. બાહ્યદૃષ્ટિથી કેવલ વિષયવાંછનાને જ પ્રેમ સમજનાર લોક પ્રેમને ગાંડાઈ મૂર્ખાઈ, મોહ ભલે કહે, પણ યથાર્થ સમજાય તો પ્રેમ સમાન જ્ઞાન કે ડહાપણ બીજા કશામાં નથી. પરંતુ લાલો આપણે ઉપર કહી ગયા તેવો છોકરવાદ હતો એટલું જ નહિ, પણ તે ચઢાઉ પણ તેવો જ હતો. પોતાને જે કલાનો શોખ હતો તેની કૃતાર્થતા, ઉપર ઉપરથી વગર વિચારે વાહવાહ કરનાર મુઠ્ઠીભર લોક, જેને આપણે જગત માની છેતરાઈએ છીએ, તેની સ્મૃતિ પામવામાં સમજતો ! પરંતુ આ ડાકણ જેવી સ્તુતિના તેજમાં કોની આંખ ઉઘાડી રહી શકી છે ? એની પાછળ રખડવામાં તો મોહોટા કવિઓ અને પંડિતોએ પણ મરણ પર્યંત્ અસંતોષ સિવાય બીજું ફલ લીધું નથી ! એનાથીજ પ્રેમના અમૃતમય પ્રવાહમાં વિષયનો ગુપ્ત ઝરો ફૂટી નીકળ્યો છે અને એનો તિરસ્કાર કરી પોતાના સત્ત્વ ઉપર તથા ખરા પ્રેમબલ ઉપર વિશ્વાસ ન રાખનાર મહા- દુઃખનાં પાત્ર બન્યાં છે.

બીજાને છેતરું છું. તેમ રખેને હું પોતે તો છેતરાતો નહિ હોઊં એમ લાલો પોતાના મનમાં વારંવાર ડરતો; માના નિર્દોષ માધુર્ય ઉપર પણ એને શક આવ્યાં કરતો. એક ગવૈયાની દીકરી સાથે લગ્ન કરવાની તો હિંમત ચાલે નહિ, તેમ તે કુમારિકાની લાજાલ પણ ભવ્ય આકૃતિથી તેની આગળ એ કરતાં બીજી કાંઈ વાત પણ કરી શકાય નહિ. આમ થવાથી મા અને લાલાનો સ્નેહ પ્રેમ કરતાં કેવલ માન અને પરસ્પર મમતાથી ઉત્પન્ન થયેલો જણાતો. રાસગૃહમાં તે નિરંતર જતો, લાગ આવે તો મા સાથે રંગભૂમિની પાછળ જઈ જરા વાતચિત પણ કરી લેતો, અને જે કાન્તિએ પોતાનું મન હરણ કરેલું હતું. તેનાં જુદી જુદી સ્થિતિનાં ચિત્ર કાઢી લઈ પોતાનું ખીસ્સું ભરતો. દિવસે દિવસે એના મનમાં શંકા અને અનિશ્ચયની વૃદ્ધિ થવા લાગી, પ્રેમ અને વેહેમ વચ્ચે એણે ઝોકાં ખાવા માંડ્યાં.