આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
ગુલાબસિંહ.

પ્રકરણ ૩ જું.

પ્રેમતૃપ્તિના અંકુર.

ગુલાબસિંહ માની પાછળ ઘરમાં ગયો; બુઢ્ઢી સમજીને દૂર થઈ ગઈ; અને બન્ને એકાંતમાં સામ સામે દૃષ્ટે દૃષ્ટ મેળવી બોલ્યા ચાલ્યા વિના ઉભાં છે એમ થયું. પોતાના પિતાના આનંદી સમયે તેના મધુર ગાનથી ગાજી રહેલા સ્થલમાં આ વખતે ઉભેલી મા. આ ગૂઢ પ્રકૃતિવાળા, કદાપિ પણ સ્મૃતિમાંથી ન ખસતા, અને કાન્તિમાન્ તથા ભવ્ય પરદેશીને, જે સ્થલે પોતે પોતાના પિતાને ચરણે ઉભી રહેતી, ત્યાંજ ઉભેલો જોઈ આનંદમાં કે તે પ્રસંગના ગભરાટમાં મોહિત થઈ જઈ, કૃત્રિમ અભિનથી નવી નવી આકૃતિઓ ખડી કરવાની પોતાને પડેલી તરંગી રીતિ મુજબ વિચારવા લાગી, કે અહો એ દિવ્યપિતાના દિવ્યગાનની પ્રતિકૃતિજ શું મારા આગળ રૂપાંતરે અત્યારે ઉભી તો નહિ હોય ! આ વિચારમાં પડેલી હોવાથી પોતાની ભવ્ય કાન્તિનું તો તેને ભાનજ ન હતું. એણે માથેથી ચાદર કાઢી નાખી હતી એટલે એની ગુંચળાંવાળી કાળી લટો સાડીમાંથી હાથીદાંત જેવા સ્વચ્છ ગળાપર લેહેતી જણાતી હતી; એનાં શ્યામ પણ પ્રેમાલ નયન ઉપકાનાં મંદ મંદ અશ્રુમાં જાણે તરતાં હતાં, અને એના ગાલ તથા મોંઢા ઉપર ગુજરેલા બનાવોના સ્મરણથી સહજ કાંઈ શોકમિશ્રિત પ્રેમલજ્જાની સુરખી છવાઈ રહી હતી. તિને પોતાને ખુશ કરતાં કામદેવે પણ આ આકૃતિ કરતાં વધારે મોહક અને આકર્ષક છબી ભાગ્યેજ નીહાળી હોય !

ગુલાબસિંહ એના તરફ જોઈ રહ્યો હતો, પણ એની દૃષ્ટિમાં પ્રેમની સાથે જ દયાની પણ ઝીણી છાંટ નજરે પડતી હતી. મનમાં જ કાંઈક બોલ્યા પછી મોહોટેથી રમાને કહેવા લાગ્યો :—

“રમા ! મેં તને ભયમાંથી બચાવી છે; તારી લાજ રાખી એટલુંજ નહિ, પણ તારો જીવ પણ બચાવ્યો છે. હાલની શિથિલ રાજ્યવ્યવસ્થામાં એ ઉદ્ધત અમીર—કોઈની દરકાર કરતો નથી; નજરમાં આવે તેવા ગુનાહ કરે છે. પોતાની વિષયવાસના તૃપ્ત કરતાં પણ, ખરા લુચ્ચા માણસો જેવું ડહાપણ વાપરે છે તેવું વાપરવામાં એ ચૂકતો નથી, જો તેં એની મરજીને હંમેશને માટે તાબે થવા કબુલ ના કર્યું હોત, તો એના જુલમની વાત જાહેર