આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

Saying prayers
Understands
Not, not cares.
Thinks it odd
Smiles away :
Yet may God
Hear her pray!

આ રીતે નાજુક તાલમાંથી પણ ભાવવાહી રમત નીતરે છે. હાલરડાંમાં પાંડિત્ય ન હોય, ને છતાં ભવ્ય કલ્પના હોઈ શકે. પ્રકૃતિની ગહનતાને સરસ સ્ત્રી-વાણીમાં કેવી રીત અવતારી શકાય એ પણ લોકકવિએ કરી બતાવ્યું છે. એ હાલરડામાં મૂકે છે :

તારા મંડળમાં તકતો દીસે
તે મારા ગજવે ઘાલો
ચાંદલિયો ચૂંટીને મારા
હાથડિયામાં આલો. - થેઈ થેઈ.
એવાં રૂપાળાં રમકડાં,
માતાજી, મુજને આલો
આર તારા વીણીને મારા
ગુંજવડામાં ઘાલો. થેઈ થેઈ.

એનું જ રૂપાંતર લગભગ એ-ના એ શબ્દોમાં કવિ ન્હાનાલાલના એક બાલગીતમાં છે:

નવલખ તારા વીણી, મા, મારા
ગજવામાં ઘાલો
મા, મને ચાંદલિયો વહાલો!

કવિતા પાંડિત્યના પ્રદર્શનને કાજે નથી. કવિતાની નિગૂઢતા એટલે ન સમજાય તેવી શબ્દ-જટિલતા નહિ. કવિતા તો ચંદ્રસૂર્યની કિરણમાલા જેવી હોય, પવનની લહરી જેવી હોય, એ તો માતાનાં ગર્ભાધાનથી જ બાળકને રમત અને સંસ્કારો આપે, ભોંયમાં બીજારોપણ થાય ત્યારે જળ શોષાવીને અંદર ઉતારે, કોંટો ફૂટ્યો તેને ઝુલાવે ને જોર આપે. ઝાડ ફાલે ત્યારે એના પાંદડે પાંદડે ચમકીને જાણે દીવા જલાવે. બાળક પરત્વે કવિતાનું પણ એ જ કર્તવ્ય છે. બાળકને તાલ આપો, એ નૃત્યનું ભૂખ્યું છે. અને હાલરડાંની લહરીઓ આપો, એ સંગીતનું તરસ્યું છે. જનેતાઓના જીવનમાં છેક ગર્ભાધાનથી જ કવિતાનું સિંચન શરૂ કરી દો. અને કંઠે કૂણાં મીઠાં, કલ્પના-નીતરતાં હાલરડાં રેડીને એના બોજારૂપ બનેલા જીવનમાં આનંદ પ્રગટાવો : અને આજકાલ તો વિશેષે પુરુષોની લાલસામાંથી નીપજી રહેલાં બાળકો વિશે માવતરને સાચું ભાન કરાવો કે –

તમે મારાં દેવના દીધેલ છો
તમે મારાં માગી લીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો'!

હાલરડાં
235