આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બાળક એ કશું લેવા ના પાડે છે. એ તો માગે છે આકાશી ચીજો ! :

તારામંડળમાં તકતો દીસે તે મારે ગજવે ઘાલો;
ચાંદલિયો ચૂંટીને મારા હાથડિયામાં આલો રે. – થેઈ થેઈ૦

એવાં રૂપાળાં રમકડાં માતાજી મુજને આલો!
આરા તારા વીણીને મારા ગુંજવડામાં ઘાલો. – થેઈ થઈ૦

અમે પ્રભુજી અલપ જીવડો તમથી લેવાય તો લ્યો રે.– થેઈ થઈ૦

સોના ચકરડી લાલ ભમરડી આકાશેથી ઉતારી;
પ્રભુ તમારી લાલ કસુંબલ મુખડાની બલિહારી!

થેઈ થેઈ ચરણ ધરો ને કાન
વેંચું મુક્તાફળ ને પાન!

જુગના આધાર

દેવકીજીને શ્રીકૃષ્ણ જલમિયા!
કે જલમ્યા જુગના આધાર
જલમ્યા જુગના આધાર

ત્રિભોવન તારા રે ઊઘડ્યા!
ઊઘડ્યા રાજદરબાર
ઊઘડ્યા રાજદરબાર

નંદજીને ગઈ રે વધામણી.
શી શી રે આલું વધામણી !
કે આલ્યાં રતન બે-ચાર
આલ્યાં રતન બે-ચાર

જશોદાએ જોશી તેડાવિયા!
કે જોશી જો રૂડા જોશ
જોશી જો રૂડા જોશ

કેવા નખતરમાં જલમિયા!
રૂડા નખતરમાં જલમિયા!
કે તેનું શ્રીકૃષ્ણ નામ
જુગમાં થાશે જો જાણ

૨૬૦
લોકગીત સંચય