આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હિંદુ અને મુસલમાન લડ્યા છે. તેઓને ત્રાહિત માણસ કહેશે કે હવે ભૂલી જાઓ; બેઉનો વાંક હશે; એકબીજા સંપીને રહેજો. તેઓ વકીલની પાસે ગયા. વકીલની ફરજ થઈ પડી કે તેણે તો અસીલનો પક્ષ ખેંચવો. અસીલ ધારતો ન હોય તેવી દલીલો અસીલના પક્ષની તેણે શોધવી એ તેનું કામ છે. જો એમ ન કરે તો તેણે પોતાના ધંધાને લાંછન લગાડ્યું ગણાય. એટલે વકીલ તો ઘણે ભાગે લડત આગળ વધારવાની સલાહ આપશે.

વળી માણસો વકીલ થાય છે તે કંઈ પરદુઃખ ભાંગવાને સારુ નહીં, પણ પૈસા પેદા કરવાને. તે એક કમાણીનો રસ્તો છે. ત્યારે વકીલનો સ્વાર્થ કજિયા વધારવામાં રહેલો છે. મારી જાણની વાત છે કે વકીલો પોતે જ્યારે કજિયા થાય છે ત્યારે રાજી થાય છે. મુખત્યારો તે પણ વકીલની જાત છે. નહિં હોય ત્યાંથી તેઓ કજિયા ઊભા કરશે.

૯૪