આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોત તો અંગ્રેજો રાજ ચલાવી શકત? અદાલતો એ કંઈ લોકોના સ્વાર્થને સારુ નથી. જેને પોતાની સત્તા નિભાવવી છે તે અદાલતની વાટે લોકોને વશ કરે છે. લોકો પોતે લડી લે તેમાં ત્રીજો માણસ પોતાની સત્તા નથી બેસાડી શકતો. ખરેખર, જ્યારે માણસો પોતાને હાથે મારામારી કરીને અથવા તો સગાંને પંચ નીમીને લડી લેતા ત્યારે મરદ રહેતા. અદાલતો આવી ત્યારે બાયલા બન્યા. એકબીજાએ લડી મરવું તે જંગલી ગણાતું. હવે ત્રીજો માણસ મારો કજિયો પતાવે ત્યારે ઓછું જંગલીપણું છે? કોઈ કહી શકશે કે જ્યારે ત્રીજો માણસ ઠરાવ આપે ત્યારે તે ખરો જ હોય છે? કોણ ખરું છે એ બંને પક્ષકાર જાણે છે. આપણે ભોળપણમાં માની લઈએ છીએ કે ત્રીજો માણસ આપણા પૈસા લઈ જઈ આપણો ઇન્સાફ કરે છે.

૯૭