આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ નથી. તેઓનું કામ શરીરમાં રોગ થાય તે દૂર કરવાનું છે. રોગ કેમ થાય છે? આપણી જ ગફલતથી. હું બહુ જમું, મને અજીર્ણ થાય, હું દાક્તર પાસે જાઉં, તે મને ગોળી આપે. હું સાજો થાઉં, પાછો ખૂબ ખાઉં ને પાછો ગોળી લ‌ઉં. આમાં બન્યું છે તે આ છે. જો હું ગોળી ન લેત, તો અજીર્ણની સજા ભોગવત અને ફરી પાછો હદ ઉપરાંત ન જમત. દાક્તર વચમાં આવ્યો ને તેણે મને હદ ઉપરાંત ખાવામાં મદદ કરી. તેથી મને શરીરમાં આરામ તો થયો, પણ મારું મન નબળું થયું. આમ ચાલતાં છેવટે મારી સ્થિતિ એવી થાય કે મારા મનની ઉપર હું જરાયે કાબૂ ન રાખી શકું.

મેં વિષય કર્યો. હું માંદો પડ્યો, મને દાક્તરે દવા આપી, હું સાજો થયો. હું ફરી વિષય નહીં કરું? કરીશ જ. જો દાક્તર વચ્ચે ન આવત તો કુદરત પોતાનું કામ

૧૦૩