આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બતાવ્યો છે તેને દુનિયામાં કંઈ જ પહોંચી શકે તેમ નથી. જે બીજ આપણા વડવાઓએ રોપ્યાં છે તેની બરોબરી કરી શકે તેવું કંઈ જોવામાં આવ્યું નથી. રોમ ધૂળધાણી થઈ ગયું, ગ્રીસનું નામ જ રહ્યું, ફિરયાની (ઇજિપ્તની) બાદશાહી ચાલી ગઈ, જાપાન પશ્ચિમના પંજામાં આવ્યું. ચીનનું કંઈ કહેવાય નહીં. પણ પડ્યું આખડ્યું તો પણ હિંદુસ્તાન હજુ તો તળિયે મજબૂત છે.

જે રોમ અને ગ્રીસ પડ્યાં છે તેનાં પુસ્તકોમાંથી યુરોપના લોકો શીખે છે. તેઓની ભૂલો પોતે નહીં કરે એવું ગુમાન કરે છે. આવી તેઓની કંગાલ સ્થિતિ છે, ત્યારે હિંદ અચલિત છે. એ જ તેનું ભૂષણ છે. હિંદની સામે આરોપ છે કે તે એવું જંગલી, એવું અજ્ઞાન છે કે તેની પાસે કંઈ ફેરફાર કરાવી શકાતા નથી. આ આરોપ એ આપણો ગુણ છે,

૧૦૮