આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દોષ નથી. અનુભવે આપણને જે ઠીક લાગ્યું છે તે આપણે કેમ ફેરવીશું? ઘણા અક્કલ દેનારા આવજા કર્યા કરે છે, ત્યારે હિંદ અડગ રહે છે. આ તેની ખૂબી છે, આ તેનું લંગર છે.

સુધારો એ વર્તન છે કે જેથી માણસ પોતાની ફરજ બજાવે. ફરજ બજાવવી તે નીતિ પાળવી એ છે. નીતિ પાળવી એ આપણાં મનને તથા આપણી ઇંદ્રિયોને વશ રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ. આ જ 'સુ' એટલે સારો ધારો છે. તેથી જે વિરુદ્ધ તે કુધારો છે.

ઘણા અંગ્રેજ લેખકો લખી ગયા છે કે ઉપરની વ્યાખ્યા પ્રમાણે હિંદુસ્તાનને કંઈ જ શીખવવાનું નથી રહેતું. આ વાત બરોબર છે. આપણે જોયું કે માણસની વૃત્તિઓ ચંચળ છે. તેનું મન ફાંફાં માર્યા કરે છે. તેના શરીરને જેમ વધારે આપીએ તેમ વધારે માગે છે. વધારે લઈને પણ સુખી નથી થતું. ભોગ ભોગવતાં ભોગની ઇચ્છા વધતી જય છે.

૧૦૯