આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

अधिपतिः

એ તો જ્યારે નેશનલ કૉંગ્રેસ સ્થપાઇ ત્યારથી જોવામાં આવી છે. 'નેશનલ'નો અર્થ જ તે વિચાર જણાવે છે.

वाचकः

આ વાત તો તમે ઠીક કરી લાગતી નથી. કૉંગ્રેસને તો અત્યારે જુવાનિયા હિંદી ગણકારતા નથી, અને તેને તો અંગ્રેજી રાજ્ય નિભાવવાનું હથિયાર તેઓ ગણે છે.

अधिपतिः જુવાનિયાનો આવો વિચાર બરોબર નથી. હિંદના દાદા દાદાભાઇએ જમીન તૈયાર ન કરી હોય તો જુવાનિયા આજે વાતો કરે છે તે પણ ન કરી શકત. મિ. હ્યુમે જે લખાણો લખ્યાં છે, જે ચાબખા આપણને માર્યા છે, અને જે જુસ્સાથી આપણને જગાડ્યા છે તે કેમ ભુલાય? સર વિલિયમ વેડરબર્ને પોતાનાં તન, મન અને ધન કૉંગ્રેસના હેતુ પાર પાડવા આપેલાં.