આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાત ધ્યાનમાં લઈએ તો આપણે સમજી શકીશું કે આપણી પોતાની ગુલામી જાય તો હિંદુસ્તાનની ગુલામી ગઈ સમજવી. આમાં તમને સ્વરાજની વ્યાખ્યા મળી રહે છે. આપણી ઉપર આપણે રાજ્ય ભોગવીએ તે સ્વરાજ છે અને એ સ્વરાજ આપણી હથેળીમાં છે.

તે સ્વરાજ સ્વપ્નવત્‌ ન માનશો. મનથી માનીને બેસી રહેવાનું એ સ્વરાજ નથી. એ તો એવું છે કે તમે ચાખ્યા પછી બીજાને તેનો સ્વાદ આપવા તરફ તમારી જિંદગી પર્યંત પ્રયત્ન કરશો, પણ મુખ્ય વાત જણે જણે સ્વરાજ ભોગવવાની છે. ડૂબતો બીજાને નહીં તારે, પણ તરતો તારશે. આપણે પોતે ગુલામ હોઈશું ને બીજાને છોડવાની વાત કરીશું તે બનવાજોગ નથી.

પણ આટલેથી બસ નથી. હજુ આપણે આગળ વિચારવું પડશે.

૧૧૯