આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તમને હવે એટલું તો જણાયું હશે કે અંગ્રેજને કાઢવા એવી નેમ આપણે રાખવાની જરૂર નથી. અંગ્રેજ જે હિન્દી થઈને રહે તે આપણે તેને સમાસ કરી શકીયે છીયે. અંગ્રેજ જે પોતાના સુધારા સહિત રહેવા માગે તો તેની જગ્યા હિન્દમાં નથી. આવી દશા લાવવી તે આપણા હાથમાં છે.

वाचक :

અંગ્રેજ હિંદી બને એ વાત તમે કરો છો તે ન બનવા જેવી છે.

अधिपति :

એમ આપણે કહેવું તે તો અંગ્રેજ માણસ નથી એમ કહેવા બરોબર થયું. તેઓ આપણા જેવા થાય કે નહીં તેની આપણને પરવા નથી રહેતી. આપણે આપણું ઘર સાફ કરીએ છીએ, પછી તેમાં રહેવા લાયક માણસ જ રહેશે; બીજા પોતાની મેળે ચાલ્યા જશે. આવો અનુભવ તો દરેક માણસને થયો હશે.

૧૨૦