આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લોકો ખૂન કરે છે, સામે થાય છે, માથાં ફોડે છે ને તેમાં બંડ થવાની ધાસ્તી હજુ રહ્યા જ કરે છે. આમાં ઇટાલીને ઑસ્ટ્રિયાના જવાથી શો લાભ મળ્યો ? નામનો જ લાભ થયો. જે સુધારાને અર્થે જંગ મચ્યો એ સુધારા થયા નથી, પ્રજાની સ્થિતિ સુધરી નથી.

હિંદુસ્તાનની દશા આવી કરવાનો તમારો ઇરાદો ન જ હોય. હું માનું છું કે તમારો વિચાર હિંદુસ્તાનના કરોડોને સુખી કરવાનો છે, નહીં કે તમારે ને મારે રાજ્યસત્તા લેવી છે. જો આમ હોય તો આપણે એક જ વિચાર કરવો ઘટશે તે એ કે પ્રજા કેમ સ્વતંત્ર બને.

તમે કબૂલ કરશો કે કેટલાંક દેશી રજવાડાં નીચે પ્રજા કચરાય છે. તેઓ અધમતાથી લોકોને પીડે છે. તેઓના જુલમ અંગ્રેજના કરતાં વધારે છે. આવો જુલમ તમારે હિંદુસ્તાનમાં જોઈતો હોય તો

૧૨૭