આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગાડું અને હું બંને તળિયે જઈએ. જેવા દેવ તેવી પૂજા, એ બહુ વિચરવા જેવું વાક્ય છે. તેનો ખોટો અર્થ કરી લોકો ભરમાયા છે. સાધન એ બીજ છે; અને સાધ્ય - મેળવવાનું - એ ઝાડ છે. એટલે જેટલો સંબંધ બીજ અને ઝાડ વચ્ચે છે તેટલો સાધન અને સાધ્ય વચ્ચે છે. સેતાનને ભજીને હું ઈશ્વરભજનનું ફળ મેળવું એ બનવા જોગ નથી. એટલે એમ કહેવું કે આપણે તો ઈશ્વરને જ ભજવો છે, સાધન ભલે સેતાન હોય, એ તો તદ્દન અજ્ઞાનની વાત છે. જેવી કરણી તેવી પારઉતરણી હોય છે. અંગ્રેજોએ મારામારી કરીને ૧૮૩૩માં વોટના વિશેષ હક્કો લીધા, શું મારામારી કરીને તેઓ પોતાની ફરજ સમજી શક્યા ? તેઓની ધારણા હક મેળવવાની હતી તે તેઓએ મારામારી કરીને મેળવ્યા. ખરા હક ફરજનું ફળ છે, તે તેઓએ નથી મેળવ્યા. પરિણામ એ

૧૩૬