આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ તેનું મન ચકડોળે ચઢ્યું. તેણે ગામમાં તપાસ કરી. તમારી દયાની તેને જાણ થઈ. એ પસ્તાયો ને તમારી માફી માગી. તમારી જણસ પાછી લાવ્યો. તેણે ચોરીનો ધંધો છોડ્યો. તમારો તે સેવક બન્યો. તમે તેને ધંધે વળગાડ્યો. આ બીજું સાધન.

તમે જુઓ છો કે જુદા સાધનથી જુદું પરિણામ આવે છે. બધા ચોર આમ જ વર્તે અથવા બહ્દામાં તમારા જેવો દયાભાવ હોય એમ આમાંથી હું સાબિત કરવા નથી માગતો. પણ એટલું જ બતાવવા માગું છું કે સારાં પરિણામ લવવાને સારાં જ સાધન જોઈએ. અને હમેશાં નહીં, તો ઘણેખરે ભાગે હથિયારબળ કરતાં દયાબળ વધારે જોરાવર છે. હથિયારમાં હાનિ છે, દયામાં કદી નથી.

હવે અરજીની વાત લઈએ. જેની પછવાડે બળ નથી તે અરજી નકામી છે, એ શંકા વિનાની વાત છે. છતાં મરહૂમ

૧૪૩