આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બરોબર જણાય છે. પણ તેવું પ્રોફેસર ગોખલેનું કેમ ગણાય? તે તો અંગ્રેજના બડા ભાઇબંધ થઇ બેઠા છે; તે તો કહે છે કે અંગ્રેજોની પાસે આપણે ઘણું શીખવાનું છે. તેઓની રાજનીતિથી વાકેફ થઈએ પછી સ્વરાજની વાત કરાય. તેઓ સાહેબનાં ભાષણોથી મને કંટાળો આવ્યો છે.

अधिपतिः

તમને કંટાળો આવ્યો છે તે તમારી ઉતાવળી પ્રકૃતિ બતાવે છે. પણ જે જુવાનિયા પોતાનાં માબાપની ઠંડી પ્રકૃતિથી કંટાળે ને તેઓ પોતાની સાથે ન દોડે તો ગુસ્સે થાય, તેઓ પોતાનાં માબાપનો અનાદર કરે છે એમ આપણે માનીએ છીએ, તેમ જ પ્રોફેસર ગોખલેનું સમજવાનું છે. પ્રોફેસર ગોખલે આપણી સાથે નહીં દોડે તેથી શું થયું? સ્વરાજ ભોગવવા ઇચ્છતી પ્રજા પોતાના વડીલોનો તિરસ્કાર કરી શકતી