આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી. આપણામાંથી માન આપવાની ટેવ જાય ત્યારે આપણે નકામા થઇ પડવાના. સ્વરાજ એ પીઢ માણસો ભોગવી શકે છે, નહીં કે ઉચ્છ્રૂંખલ માણસો. વળી જૂઓ, પ્રોફેસર ગોખલેએ જે વેળા પોતાનો ભોગ હિંદી કેળવણી ખાતર આપ્યો ત્યારે કેટલા એવા કેટલા હિંદી હતા? હું તો ખાસ માનું છું કે પ્રોફેસર ગોખલે જે કંઇ કરે તે શુધ્ધ ભાવથી ને હિંદુસ્તાનનું હિત માનીને કરે છે. જો હિંદને સારુ પોતાનો જાન આપવો પડે તો આપી દે એવી તેમનામાં હિંદની ભક્તિ છે. તે જે કહે છે તે કોઇની ખુશામત કરવાને સારુ નહીં, પણ ખરું માનીને. એટલે તેમના પ્રત્યે આપણા મનમાં પૂજ્યભાવ હોવો જોઇએ.

वाचकः

ત્યારે શું તેઓ સાહેબ જે કહે છે તે પ્રમાણે આપણે પણ કરવું?