આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માણસ કરે છે એ તો આપણે જોઈએ છીએ. તેનો સદુપયોગ પ્રમાણમાં ઓછા જ માણસો કરે છે. આ વાત બરોબર હોય તો એમ સિદ્ધ થાય છે કે અક્ષરજ્ઞાનથી દુનિયાને ફાયદાને બદલે હાનિ થઈ શકે છે.


કેળવણીનો સાધારણ અર્થ અક્ષરજ્ઞાન એ જ થાય છે. લોકોને લખતાં, વાંચતાં, હિસાબ ગણતાં શીખવવું એ મૂળ અથવા પ્રાથમિક કેળવણી કહેવાય છે. એક ખેડૂત પોતે પ્રામાણિકપણે ખેતી કરી રોટી કમાય છે. તેને સાધારણ રીતે દુન્યવી જ્ઞાન છે. તેણે માબાપ પ્રત્યે કેમ વર્તવું, છોકરાં તરફ કેમ ચાલવું, જે ગામડામાં તે વસે છે ત્યાં તેણે કેમ રીતભાત રાખવી, આ બધાનું જ્ઞાન પૂરતું છે. તે નીતિના નિયમો સમજે છે ને પાળે છે. પણ તેને પોતાની સહી કરતાં આવડતી નથી. આ માણસને તમે અક્ષરજ્ઞાન આપી શું કરવા

૧૭૩