આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું નથી સમજાવતો. પણ તેના કાર્યનું એ જ પરિણામ આવ્યું છે. આપણે સ્વરાજની વાત પરભાષામાં કરીએ છીએ એ કેવી કંગાલિયત !

જે કેળવણી અંગ્રેજીનો ઉતાર છે તે આપણો શણગાર બને છે એ જાણવા જેવું છે. તેઓના જ વિદ્વાનો બોલ્યા કરે છે કે આ સારું નથી, તે સારું નથી. કેળવણીના ધોરણો ફર્યા જ કરે છે. આપણે તો તેઓ જે ભૂલી ગયા જેવા હોય તેને પણ અજ્ઞાનપણે વળગી રહીએ છીએ. તેઓમાં સહુ સહુની ભાષા વધારવાને મહેનત થાય છે. વેલ્સ એ એક ઇંગ્લાંડનું પરગણું. તેની ભાષા ધૂળ જેવી ગણાય. તેનો જીર્ણોદ્ધાર હવે થઈ રહ્યો છે.

વેલ્સનાં છોકરાંઓ પાસે વેલ્સ બોલાવવું એવો પ્રયાસ ચાલે છે. તેમાં ઇંગ્લાંડનો ખજાનચી લૉઈડ જ્યૉર્જ મુખ્ય ભાગ લે છે. ત્યારે આપણી દશા કેવી છે ?

૧૭૯