આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપણે એકબીજાને કાગળ લખીએ તે ભૂલભરેલા અંગ્રેજીમાં. આવા ખોડવાળા અંગ્રેજીમાંથી સાધારણ એમ. એ. પણ મુક્ત નથી. આપણા સરસમાં સરસ વિચાર બતાવવાનું વાહન તે અંગ્રેજી, આપણી કોંગ્રેસ તે અંગ્રેજીમાં ચાલે, આપણાં સરસ છાપાં તે અંગ્રેજીમાં. જો આવું લાંબી મુદત સુધી ચાલશે તો આપણા પછીની પ્રજા અપણો તિરસ્કાર કરશે ને તેમનો શાપ આપણા આત્માને લાગશે એમ મારું માનવું છે.

તમારે સમજવા જેવું છે કે અંગ્રેજી કેળવણી લઈને આપણે પ્રજાને ગુલામ બનાવી છે. અંગ્રેજી કેળવણીથી દંભ, રાગ, જુલમ વગેરે વધ્યાં. અંગ્રેજી ભણનારે લોકોને ધૂતવામાં, તેઓને ત્રાસ પમાડવામાં મણા નથી રાખી. હવે જો આપણેતેઓને સારુ કંઈ જ કરીએ છીએ તો તે આપણે કરેલા કરજનો એક કટકો વાળીએ છીએ.

૧૮૦