આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લીધી છે તે તેનો સદુપયોગ કરે. પોતે તેનો ઉપયોગ માની જરૂર જણાય ત્યાં કરે, અંગ્રેજોની સાથે વહેવારમાં, બીજા હિંદી જેની ભાષા આપણે ન સમજીએ તેને સારુ, અને અંગ્રેજો પોતે પોતાના સુધારાથી કેવા કાયર થાય છે તે જાણવા સારુ. જેઓ અંગ્રેજી ભણ્યા છે તેમની પ્રજાને પ્રથમ નીતિ શીખવવી, તેઓને સ્વભાષા શીખવવી, તેઓને એક બીજી હિંદની ભાષા શીખવવી. પ્રજા જ્યારે પાકી ઉંમરે પહોંચે ત્યારે ભલે અંગ્રેજી કેળવણી લે. તે માત્ર તેનું છેદન કરવાના ઇરાદાથી નહીં. આમ કરતાં પણ આપણે વિચારવું પડશે કે અંગ્રેજી શું શીખવું ને શું ન શીખવું. કયાં શાસ્ત્રનો અભ્યાસ કરવો તે વિચારવું પડશે. સહેજ ખ્યાલ કરતાં જણાઈ રહેશે કે જો અંગ્રેજી ડિગ્રી વગેરે લેતા આપણે બંધ થઈએ તો અંગ્રેજ રાજ્યધિકારી ચમકશે.

૧૮૨