આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આર્થિક (ઈકૉનૉમિક) ઇતિહાસ' વાંચ્યું ત્યારે મને એવું થઈ આવ્યું હતું. તેનો પાછો વિચાર કરું છું ત્યાં મસ્રું દિલ ભરાઈ આવે છે. સંચાકામનો સપાટો લાગ્યો ત્યારે તો હિન્દુસ્તાન પાયમાલ થયું. માન્ચેસ્ટરે તો આપણને જે નુકસાન પહોંચાડ્યું છે તેની હદ બાંધી શકાતી નથી. હિંદુસ્તાનમાંથી કારીગરી લગભગ ગઈ તે તો માન્ચેસ્ટરનું જ કામ.

પણ હું ભૂલું છું. માન્ચેસ્ટરને દોષ કેમ દેવાય ? આપણે તેનાં કપડાં પહેર્યાં ત્યારે માન્ચેસ્ટરે તે વણ્યાં. બંગાળની બહાદુરીનું જ્યારે મેં વર્ણન વાંચ્યું ત્યારે મને હર્ષ થયો. બંગાળમાં કાપડની મિલો નથી, તો લોકોએ અસલ ધંધો પાછો પકડી લીધો. બંગાળ મુંબઈની મિલને ઉત્તેજન આપે છે તે ઠીક જ છે, પણ જો બંગાળે સંચાકામમાત્રની આભડછેટ (બૉયકોટ) રાખી હોત તો હજુ વિશેષ ઠીક થાત.

૧૮૮