આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પડશે. પણ મિ. હ્યુમ, સર વિલિયમ વેડરબર્ન વગેરેનું જે તમે કહ્યું એ તો હદ વળી.

अधिपतिः

જે નિયમ હિંદીને વિશે છે તે જ અંગ્રેજને વિશે પણ જાણવાનો છે. અંગ્રેજમાત્ર ખરાબ એમ તો હું માનીશ નહીં, ઘણા અંગ્રેજો હિંદુસ્તાનને સ્વરાજ મળે એવું ઇચ્છે છે. તે પ્રજામાં સ્વાર્થ વધારે પડતો છે એ વાત બરોબર છે, પણ તેથી દરેક અંગ્રેજ ખરાબ છે એમ સાબિત થતું નથી. જેઓ હક-ન્યાય-માગે છે તેમણે બધાની તરફ ન્યાય કરવો પડશે. સર વિલિયમએ હિંદુસ્તાનનું બૂરું ઇચ્છનાર નથી એટલું આપણે સારુ બસ છે. આગળ વધીશું તેમ તેમ જોશો કે આપણે ન્યાયની વૃત્તિથી કામ લઈશું તો હિંદુસ્તાનનો છુટકારો વહેલો થશે. તમે એમ પણ જોશો કે અંગ્રેજમાત્રનો દ્વેષ કરીશું તેથી સ્વરાજ છેટું જશે; પણ જો તેઓને પણ ન્યાય કરીશું તો સ્વરાજમાં તેઓની મદદ મળશે.

૧૧