આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યારે જીવ, મન, બધું લેતાં પણ છુટકારો થતો નથી. એટલે આપણા દેશમાં મિલો થાય તેથી ખાસ રાજી થવા જેવું રહેતું નથી.

वाचक :

ત્યારે શું મિલોને બંધ કરી દેવી ?

अधिपति :

એ વાત મુશ્કેલ છે. સ્થાયી થયેલી વસ્તુને કાઢવી તે ભારે પડતું છે. તેથી કાર્યનો અનારંભ તે પ્રથમ ડહાપણમાં ગણાયું છે. મિલના ધણીની ઉપર આપણે તિરસ્કારની નજરે નથી જોઈ શકતા. તેઓની ઉપર દયા ખાઈએ. તેઓ એકાએક મિલ છોડી દે એ તો ન બને, પણ આપણે તેઓનાં સાહસ ન વધારવાની અરજી કરી શકીએ છીએ. તેઓ ભલાઈ કરે તો તેઓ પોતે પોતાનું કામ ધીમે ધીમે ટૂંકું કરે. તેઓ પોતે જ જૂના, પૌઢ, પવિત્ર રેંટિયા ઘેર સ્થાપી શકે છે, લોકોનું વણેલું કાપડ લઈ વેચી શકે છે.

૧૯૧