આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેઓ તેમ ન કરે તોપણ લોકો પોતે સંચાકામની વસ્તુ વાપરતા બંધ થઈ શકે છે.

वाचक :

એ તો કાપડનું કહ્યું. પણ સંચાની તો અસંખ્ય વસ્તુ છે. કાં તો પરદેશથી લેવી, કાં તો આપણે તેવા સંચા દાખલ કરવા.

अधिपति :

ખરેખર, આપણા દેવતા પણ જર્મનીના સંચામાં ઘડાઈને આવે છે. એટલે પછી દીવાસળી કે ટાંકણીથી કરી કાચના ઝુમ્મરની શી વાત કરવી ? મારો જવાબ તો એક જ છે. જ્યરે એ બધી વસ્તુ સંચાની નહોતી બની ત્યારે હિંદ શું કરતું હતું ? તેવું તે આજે પણ કરશે . જ્યાં સુધી હથે ટાંકણી ન બનાવીએ ત્યાં લગી ટાંકણી વિના ચલાવીશું. હાંડીઝુમ્મરને ટાંગી દઈશું. કોડિયામાં તેલ નાખી આપણા ખેતરમાં પાકેલા રૂની વાટ વણી બત્તી કરીશું. તેમ કરતાં આંખ બચ્શે, પૈસો બચશે ને સ્વદેશી રહીશું, થઈશું, સ્વરાજની ધુણી ધખાવીશું.

૧૯૨