આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક જ વિચારના છે એમ નથી ધારવાનું. જેને નોકરી કરી છૂટવું છે તેને પક્ષ કેવા? હું તો મૉડરેટની સેવા કરું, તેમ જ એક્સ્ટ્રીમિસ્ટની. જ્યાં તેઓના વિચારથી મારો મત નોખો પડે ત્યાં હું તેઓને વિનયપૂર્વક જણાવું ને મારું કામ કર્યે જાઉં.

वाचकः

ત્યારે તમારે બંનેને કહેવું હોય તો શું કરો?

अधिपतिः

એક્સ્ટ્રીમીસ્ટને હું કહું કે તમારો હેતુ હિંદને સારુ સ્વરાજ મેળવવાનો છે. સ્વરાજ તમારું મેળવ્યું મળે તેમ નથી. સ્વરાજ તો સહુએ સહુનું લેવું જોઇએ - કરવું જોઇએ.બીજા મેળવે તે સ્વરાજ્ય નથી, પણ પરરાજ્ય છે. એટલે તમે અંગ્રેજને કાઢીને સ્વરાજ લીધું એમ ધારો તો તે ઠીક નથી.

૧૯૮