આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપણું કર્તવ્ય છે. એટલે જ અંગ્રેજ નિમકવેરો કાઢી નાખે, લીધેલું ધન પાછું આપે, બધા હિંદીને મોટા હોદ્દા આપે, લશ્કર ખેંચી લે, તો કંઈ આપણે સંચાનું કાપડ પહેરીશું કે અંગ્રેજી ભાષા વાપરીશું અથવા તેમની હુન્નરકળાનો ઉપયોગ કરીશું એમ નથી. તે બધું વસ્તુતઃ એ ન કરવા જેવું છે વાસ્તે નથી કરવાના, એ સમજવાનુ છે.

જે કંઈ મેં કહ્યું છે તે અંગ્રેજના દ્વેષભાવે નહીં, પણ તેમના સુધારાના દ્વેષભાવે કહ્યું છે.

મને લાગે છે કે આપણે સ્વરાજનું નામ લીધું છે પણ તેનું સ્વરૂપ સમજ્યા નથી. તે જેવું હું સમજયો છું તેવું સમજાવવા મેં પ્રયત્ન કર્યો છે. તેવું સ્વરાજ લેવા ખાતર આ દેહ અર્પણ છે, એમ મન સાક્ષી પૂરે છે.



૨૧૪