આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કારાવાસના આ આઠમા પુણ્યદિને અમે પ્રજા આગળ આ પારાયણ-પુસ્તક રજુ કરીયે છીયે.


મહાત્માજીના કારાવાસને સાત મહિના વીતીને આઠમો બેઠો છે; પણ જ્યાં સુધી ‘હિન્દ સ્વરાજ’નું પારાયણ દેશમાં જાગૃત હશે ત્યાં સુધી મહાત્માજીનું તેજ ઝળકતું રહીને આપણો પન્થ ઉજાળતું રહેશે. જૂની રામાયણની બોલવાની રીત વાપરીયે તો, જે જે સ્થળે ‘હિન્દ સ્વરાજ’નું પારાયણ થશે તે તે સ્થળે મહાત્માજી હાજર રહેશે.


મહાત્માજી આફ્રિકામાં હતા ત્યારે ‘ઇન્ડીયન ઓપીનીયન’ કરીને પત્ર કાઢતા. તેના અંકોમાં ‘હિન્દ સ્વરાજ’ મૂળ પ્રસિદ્ધ થયું હતું. આ આવૃત્તિ તે મૂળ અંકો સાથે સરખાવીને છાપી છે.


આ પુસ્તકને સ્વદેશી કાગળ પર છાપ્યું છે અને ખાદીના પૂંઠામાં બાંધ્યું છે.


૧૮:૧૦:૧૯૨૨
વ્યવસ્થાપક
નવજીવન પ્રકાશન મંદિર