આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરતા હાલ વધારે સરસ ઘરમાં રહે છે; આ સુધારાની નિશાની ગણાય છે. આમાં શરીરસુખની વાત રહેલી છે. તે અગાઉ માણસો ચામડાંના વસ્ત્ર પહેરતા ને ભાલાં વાપરતા. હવે તેઓ મોટા લેંઘા પહેરે છે ને શરીરશણગાર સારુ તરેહવાર કપડાં બનાવે છે, તથા ભાલાંને બદલે એક પછી એક પાંચ ઘા કરી શકે એવી ચક્કરવાળી બંદૂકડી વાપરે છે; તે સુધારાની નિશાની છે. કોઈ મુલકના માણસ જોડા વગેરે ન પહેરતા હોય તે જ્યારે યુરોપના કપડાં પહેરતાં શીખે છે ત્યારે જંગલી દશામાંથી સુધરેલી દશામાં આવ્યા ગણાય છે. અગાઉ યુરોપમાં માણસો સાધારણ હળથી પોતાના જોગી જમીન જાતમહેનતથી ખેડતા, તેને બદલે હાલ વરાળયંત્રથી હળ ચલાવી એક માણસ ઘણી જમીન ખેડી શકે છે ને ખૂબ પૈસો એકઠો કરી શકે છે; તે સુધારાની નિશાની ગણાય છે.

૪૪