આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અગાઉ માણસો કોઈક જ પુસ્તકો લખતાં તે અમૂલ્ય ગણાતાં, આજે જેને જેવું ફાવે તેવું લખે છે ને છાપે છે તથા લોકોના મન ભમાવે છે; આ સુધારાની નિશાની છે. અગાઉ માણસો ગાડાં વાટે દહાડાની બાર ગાઉની મજલ કરતા. હાલ રેલગાડીથી ચારસેં ગાઉની મજલ કરી શકે છે; આ તો સુધારાની ટોચ ગણાઈ છે. હજુ જેમ સુધારો વધતો જાય છે તેમ એવું ધારવામાં આવે છે કે માણસો હવાઈ વહાણથી મુસાફરી કરશે ને થોડા કલાકમાં દુનિયાના ગમે તે ભાગમાં જઈ પહોંચશે. માણસોને હાથપગ નહીં વાપરવા પડે. એક બટન ચાંપશે ત્યારે તેને પહેરવાનો પોશાક આવી મળશે, બીજું બટન ચાંપશે ત્યારે તેનાં છાપાં આવશે, ત્રીજું બટન ચાંપશે ત્યારે તેની ગાડી તૈયાર થઈ જશે, નિત્ય નવાં ભોજન મળશે, હાથ અથવા પગનો ખપ જ નહીં પડે. બધું સંચાથી જ કામ લેવાશે.

૪૫