આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અગાઉ માણસો જ્યારે લડવા માગતા ત્યારે એકબીજાનું શરીરબળ અજમાવતા. હવે તો તોપના એક ગોળાથી હજારો જાન લઈ શકે છે, આ સુધારાની નિશાની છે. અગાઉ લોકો ખુલ્લી હવામાં પોતાને ઠીક પડે તેટલું સ્વતંત્રપણે કામ કરતા, હવે હજારો મજૂરો પોતાના ગુજરાનને ખાતર એકઠા મળી મોટાં કારખાનાં કે ખાણોમાં કામ કરે છે, તેઓની દશા જાનવર કરતાં હલકી થઈ પડી છે. તેઓની સીસા વગેરેના કારખાનાંઓમાં જાનની ખુવારી કરી કામ કરવું પડે છે. આનો ભોગ પૈસાદાર માણસોને મળે છે. અગાઉ માણસોને મારીને ગુલામ કરતા; હાલ માણસોને પૈસાની અને ભોગની લાલચ આપીને ગુલામ બનાવે છે. અગાઉ લોકોમાં દરદ ન હતાં તેવા દરદ પેદા થયાં છે, ને તેની સાથે દાકતરો શોધ કરવા લાગ્યા છે કે તે દરદો કેમ મટાડવાં. આમ કરતા ઇસ્પતાલો વધી છે; તે સુધારાની નિશાની ગણાય છે. અગાઉ

૪૬