આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચોખ્ખી વાત કરે છે કે તેઓનું કામ લોકોને ધર્મ શીખવવાનું નથી. ધર્મ તે તો ઢોંગ છે એમ કેટલાક માને છે. કેટલાક વળી ધર્મનો ડોળ કરે છે, નીતિની વાર્તા પણ કરે છે; છતાં હું તમને વીસ વરસના અનુભવ પછી કહું છું કે નીતિને નામે અનીતિ શીખવવામાં આવે છે. નીતિ ઉપલી વાતોમાં હોઈ ન શકે એ બાળક પણ સમજી શકે એવું છે, શરીરનું સુખ કેમ મળે એ જ સુધારો શોધે છે; એ જ તે આપવા મહેનત કરે છે, છતાં તે સુખ પણ નથી મળી શકતું.

આ સુધારો તે અધર્મ છે અને તે યુરોપમાં એટલે દરજ્જે ફેલાયો છે કે ત્યાંના માણસો અર્ધાગાંડા જેવા જોવામાં આવે છે. તેઓનામાં ખરું કૌવત નથી; પોતાનું જોર નશો કરી ટકાવી રાખે છે. એકાન્તે તે લોકો બેસી શકતા નથી, સ્ત્રીઓ ઘરની રાણી હોવી જોઈએ તેમને શેરીઓમાં ભટકવું પડે છે, અથવા તો તેઓને મજૂરીએ જવું પડે છે.

૪૮