આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

છે કે આપણે જ તે બધું કરતા. પૈસો જલદી મેળવવાના હેતુથી આપણે તેઓને વધાવી લેતા. આપણે તેઓને મદદ કરતા. મને ભાંગ પીવાની આદત હોય અને ભાંગ વેચનારો મને ભાંગ વેચે તેમાં મારે વેચનારનો વાંક કાઢવો કે મારો પોતાનો? વેચનારનો વાંક કાઢવાથી મારું વ્યસન કંઈ જવાનું છે? તે વેચનારને હાંકી કાઢીશું તો શું બીજા મને ભાંગ નહીં વેચે? હિંદુસ્તાનના ખરા સેવકે બરોબર શોધ કરી મૂળ તપાસવું પડશે. મને બહુ ખાવાથી અપચો થયો હશે તો હું પાણીનો દોષ કાઢી અપચો દૂર નહીં કરી શકું. તબીબ તો એ કે જે દરદનું મૂળ શોધે. તમે હિંદી રોગીના તબીબ થવા માગો છો તો તમારે દરદનું મૂળ શોધ્યે જ છૂટકો છે.

वाचक :

તમે ખરું બોલો છો. હવે તમારે મને સમજાવવાને દલીલ કરવાની જરૂર નહીં રહે. હું તમારા વિચાર જાણવા અધીરો બન્યો

૫૩