આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગલત છે. હિંદુસ્તાનને રાખવામાં તલવાર કંઈ જ કામ આવે એમ નથી; આપણે જ તેઓને રહેવા દઈએ છીએ.

નેપોલિયને અંગ્રેજોને વેપારી પ્રજા કહી છે એ તદ્દન વાજબી વાત છે. તેઓ જે દેશને રાખે છે તે દેશ વેપારને અર્થે રાખે છે એ જાણવા જેવું છે. તેઓનાં લશ્કર કે કાફલા માત્ર વેપારની રક્ષા કરવા અર્થે છે. જ્યારે ટ્રાન્સવાલમાં વેપાર નહોતો ત્યારે મિ. ગ્લૅડસ્ટનને તરત સૂઝી આવ્યું કે ટ્રાન્સવાલને અંગ્રેજોએ નહીં રાખવું જોઈએ. જ્યારે ટ્રાન્સવાલમાં વેપાર જોયો ત્યારે તેની સાથે લડાઈ કરી અને મિ. ચેમ્બરલેને શોધી કાઢ્યું કે ટ્રાન્સવાલની ઉપર અંગ્રેજની હકુમત છે. મરહૂમ પ્રેસિડન્ટ ક્રૂગરને કોઈએ સવાલ પૂછ્યો : 'ચાંદમાં સોનું છે કે નહીં?' તેણે જવાબ આપ્યો કે, 'ચાંદમાં સોનું હોવાનો સંભવ નથી; કેમ કે જો હોત તો અંગ્રેજો તેને પોતાના રાજ્ય સાથે જોડી

૫૬