આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરશે, પણ તેની અસર સદાયને સારુ બૂરી રહેતી નથી, સુધારાની હોળીમાં જે માણસો બળી મૂઆં છે તેની તો હદ જ નથી. તેની ખૂબી તો એ છે કે માણસો સારું માનીને તેમાં ઝંપલાવે છે. તેઓ નથી રહેતા દીનના કે નથી રહેતા દુનિયાના. તેઓ ખરી વસ્તુને તદ્દન ભૂલી જાય છે. સુધારો તે ઉંદરની જેમ ફૂંકીને ફોલી ખાય છે. તેની અસર જ્યારે આપણે જાણીશું ત્યારે અગાઉના વહેમો તે આપણને પ્રમાણમાં મીઠા લાગશે. હું એમ નથી કહેતો કે આપણે તે વહેમોને કાયમ રાખવા. નહીં, તેની સામે તો લડીશું જ; પણ તે લડત કંઈ ધર્મ ભૂલી જવાથી નથી લેવાવાની, પણ ખરી રીતે ધર્મ સંપાદન કરી લેવાશે.

वाचक :

ત્યારે તો તમે એમ પણ કહેશો કે અંગ્રેજે હિંદુસ્તાનમાં શાંતિનું સુખ આપ્યું છે તે નકામું છે.

૬૩